Horizontal ad

શનિવાર, 27 જાન્યુઆરી, 2024

ફોન - કવિતા , Phone-Kavita


હવે બધું  બહું જ અનુભવવાનું , 

હાથમાં ફોન છે , ફોનમાં શબ્દો , 

શબ્દોમાં સંવેદના , ઉછીની વેદના.

આખી દુનિયા ફોનમાં આવે,

 સાથે  સાચા ,ખોટા ,ચિત્ર , વિચિત્ર વિચારો લાવે.

 

  એક ઘડી સેન્સેટિવ થવાનું,

 બીજી  ઘડી  

ફોન કહે " પેલું ફોર્મ ભર".

 ફોન નચાવે એમ નાચવાનું,

 ઉઠાડે પણ એ જ ,

સુવાડે પણ એ જ,

 મિનિટે મિનિટે હસાવે સહેજ.


 હજારો ફોટા ,ફોટામાં સારું દેખાવાનું,

 કોઈ કોમેન્ટ કરે કે ન કર,

 એ સુધા ન સહન થવાનું.

ભાવ બધા છે  કેદ  ફોનમાં,

 હવે નિષ્ભાવ ચહેરાને કોણ જોવાનું.


 ફોન ચમત્કારથી ઓછો નથી,

 સાથ ,સંગાથ ,સલાહ ,સુચન

 હવે કોઈની જરૂર નથી.

 જીવન જીવવાની બધી માહિતી

 અહીં મળશે,

        અરે ,,,,, !!!! ભાવથી કરેલી ભક્તિ પણ ફળશે. 


નામ જબરૂં મારા સ્માર્ટ ફોનનું 

 હેડફોન રહે જેમ હેડ પર.

 એમ આઈસ ની સામે રહે આઈફોન

 એલિયન કેટલા સ્માર્ટ,

 આ સવાલ આવે ફરીને,

 એલિયનની જેમ સ્માર્ટ બનાવે

 એલીયનેટ કરીને.


 પહેલા પોતાના અભિપ્રાય પર

 ક્યાં હતો ભરોસો,

 પોતાનું પરમ મહત્ત્વ સ્થાપતા

 થતા વર્ષો.

 આખી દુનિયા ની પંચાતમાં હવે ગૂંથાયેલો,

 google પર મળ્યો માણસ,

 જે વેબમાં ખોવાયેલો.


 આજ્ઞા કરીતા તો વખાણવા જેવી,

 સૂચના માત્ર એક જ વાર દેવી,

 હપ્તા એ  ભરાવે ,

 રોજ દવા લેવાનું ય યાદ કરાવે,

 કર્મનું બંધન બંને નિભાવે,

 માણસ ચાર્જ કરે  ફોનને

 ફોન માણસને. 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


Courtesy : સ્માર્ટફોન

                           ઈન્ટરનેટ








ઊર્મિલા -Urmila

 એનું નામ ઊર્મિલા હતું . નાજુક બાંધો , ફિક્કો રંગ , સુકાઈ ગયેલું શરીર , સપાટ કપાળ પર આછા વાળ અને પોતાના સંજોગો પર દયા માંગતી ઊંડી આંખો , આવો હતો ઊર્મિલાનો દેખાવ . આ બહારી દેખાવની પાછળ એની અંદર એક સતત સળગતો જ્વાલામુખી હતો જેનાથી પહેલા તો એ પોતે જ બળતી હતી. ઊર્મિલાના બાળપણની બહુ ખબર નથી , માતા ના મૃત્યુ પછી ભાઈબહેનોના ઉછેર અલગ અલગ મોસાળીઆના ઘરે થયાનું સાંભળ્યું હતું. સાસરું પણ એને સાધારણ જ મળ્યું હતું , પતિ સહિયારા કુટુંબમાં  ગામડે ખેતી સંભાળતા. એના દસ બારસંતાનોમાંથી માત્ર બે જ યુવા અવસ્થાએ પહોંચ્યા અને એક જ ગૃહસ્થ અવસ્થાએ .કુટુંબમાં ઊર્મિલાના અભિપ્રાય કે લાગણીઓ કોઈ ગણકારતું નહી .ઊર્મિલાને ગુજરાતી વાંચતા લખતાં આવડતું. પાંસઠ વર્ષે એક પુત્ર , પુત્રવધુ  અને પૌત્રી અને પતિ એમ પાંચ જણાનુ આ કુટુંબ આર્થિક રીતે સતત સંઘર્ષમાં જ રહેતું .  પહેલેથી સાદાઇમાં ઉછેરેલી ઊર્મિલાને કપડાં, ઘરેણા , નાટક , સિનેમા કે બહાર ખાવાનો શોખ પણ ન હતો. પોતાને માટે કોઈદિવસ કોઈ વસ્તુ ખરીદ પણ ન કરી હતી. એક પાંજરું તાળું મારેલું અને એક ચાવી દીધેલું કબાટ એ જ એની પુંજી હતી. બીજી સ્ત્રીઓ સરસ કપડાં અને દાગીના પહેરી જાજરમાન રહે પણ એની જરુરીઆતોમાં બે જોડી ઘરના કપડાં અને ત્રણેક જોડી બહાર જવાના , ગળામાં માત્ર તુલસીની માળા , હાથમાં પ્લાસ્ટિકની બે બંગડી અને ઠાકોરજીની સેવા. 


        ઊર્મિલા ચુસ્ત પુષટીમારગી વૈશ્ળવ પંથી હોવાથી ન્હાયા વગર ન રસોઈ કરે , નાહીને ન ખાટલાને અડે. એઠુંજુઠું , ચાટાબોટા , અડાઅડી બધું પાળે . કામવાળી વાસણ કરી જાય તો પણ ધોઈને વાપરે, બહારનું તો કાંઈ ખાય જ નહી . ઠાકોરજીને પ્રસાદમાં પણ  ચણાના લોટની નાની નાની ગોળી જ બનાવે. પાણીની તો  એને એટલી આપદા કે ઘરના બધા જ વાસણ પાણીથી ભરે. આવી ઊર્મિલાને ગમે તે કારણસર ન તો પતિ સાથે બનતું કે ન પુત્ર અને પુત્રવધુ સાથે ફાવતું. કદાચ નહી ફળેલી અપેક્ષાઓ અને દબાવી દેવાલા અભિપ્રાયો થી એને સ્વભાવ ટોકટોક કરવાનો અને સતત લવારો કરનારો થઈ ગયો હતો. જુવાન લોહીને  એ સહન થતું નહી. 


       કોઈ કહેતું કે ઊર્મિલા પરણીને સંયુક્ત કુટુંબમાં  આવી ત્યારે એના માથે બહુ કામ પડ્યું. પતિનો ગુસસાવાળા સ્વભાવે આગમાં ઘી નાંખવાનું કામ કર્યું હતું . કોઈ કહેતું એનો સ્વભાવ બહુ વિચિત્ર હતો . ગમે તેમ પણ રોજ રોજના મતભેદથી ઊર્મિલાની  ઊરમીઓ  એના કુટુંબ પ્રત્યે શોષાઈ ગઈ હતી  એના લોહી ની જેમ .એનો મોટા ભાગનો સમય ઘરકામ અને પુજાપાઠમાં જ વ્યતીત થતો હતો. સવારમાં તો કામ અને પુજા કરતા કરતા ઠાકોરજીના બધા પાઠ મોંઢે બોલતી જાય. 


        પુત્રવધુ અને પછી  પતિનું અવસાન થતા , ઊર્મિલા પુત્ર અને પૌત્રી સાથે દિવસો પસાર કરતી હતી. એના ઘરડા અશક્ત શરીરમાં બહુ કામ કરવાનું જોર નહોતુ . માત્ર એક વાર થોડી રસોઈ બનાવી શકતી . બે ત્રણ વરસમાં ઊમિલાનું પણ અવસાન થયું અને ….


એનું તાળું મારેલું પાંજરું અને કબાટ ખુલ્યું . 


વર્ષો પસાર થયા હવે તો પૌત્રી પણ પરણીને સાસરે ગઈ . 


        આજે આ જ પૌત્રી , પૃથા , પોતાનું કબાટ ગોઠવતી હતી. દરેક સ્ત્રીને ખાસ કરીને પોતાના કબાટ સાથે એક વ્યક્તિગત સંબંધ હોય છે. કબાટ જાણે સુરક્ષા  આપવાની  સાથે સ્ત્રીના અનેક રહસ્યો છુપાવતું હોય છે. પૃથા પોતાના પતિ કાર્તિક અને બે પુત્રો સાથે પોતાના કૌટુંબિક સંસારમાં સુખી હતી છતાં ઘણીવાર ભૂતકાળ ને વાગોળ્યા કરતી. આજે તો રવિવાર હોવાથી કાર્તિક પણ ઘરે જ હતો. બપોરનું જમણ પતાવીને પૃથા બેડરૂમમાં કબાટના ખોરવાઈ ગયેલા કપડાં અને વસ્તુઓ જમીન પર પસરાવીને એક એક પાછા મુકતી જતી હતી . એવામાં એની નજર એક લાલ રંગના  પુંઠાના બોકસ પર પડતા જ એ લેવા એનો હાથ લંબાયો. હવે પૃથાના ચહેરા પર ગ્લાનિ છવાઈ ગઈ એનો શ્વાસ પણ ભારે લાગ્યો . એ બોકસની 

અંદર શું છે એ પૃથા જાણે છે છતાં શુન્યભાવે એ બોકસને ખોલીને નિહાળતી રહી. 

એટલામાં જ કાર્તિક રૂમમાં દાખલ થયો , પૃથાને સુન જોતા રમૂજ કરતા બોલ્યો , 

“ શું થયું ? બધું બરાબર છે ને ? પાછી ચાવી અટવાઈ ગઈ કપડાંમાં ?” 

“ ના…. “ ગળામાં દબાયેલા દુસકાને ગળી જતા પૃથાએ જવાબ આપ્યો અને 

આંસુઓને  આંખમાં જ રોકી રાખ્યા .કાર્તિક પણ બીજું કાંઈ કરવા રુમમાંથી બહાર નીકળી ગયો. 


         હવે પૃથા એકલી જ હતી રુમમાં , વિચારોની જાળમાં સપડાયેલી . એણે  બોકસમાં રહેલા કાગળને બે વખત વાંચીને  ગદગદ થઈને પાછો મુકી દીધો . એવું તે  શું લખ્યું હતું એ કાગળમાં ? બીજું શું હતું એ બોકસમાં જેના પરથી  પૃથાની દંષ્ટિ ઊઠતી ન  હતી !!! 


   એ બોકસ પૃથાની દાદી ઊર્મિલાનું હતું જે એને દાદીના મૃત્યુ પછી ખોલાયેલા કબાટમાંથી મળ્યું હતું . એ કબાટમાં ત્રીસેક જેટલી સાડીઓ પણ સ્વચ્છ કપડાંમાં પોટલામાં બાંધીને  મુકી હતી . અમુક તો હાથમાં લેતા જ ફાટી જાય એટલી કોહવાયેલી. કોને ખબર કેટલા વરસોથી કબાટમાં કેદ હતી. ઊર્મિલા લોકોને નકામી થઈ ગયેલી વસ્તુઓ  પોતે લાવીને  સંગ્રહી રાખતી એની આપદાવૃતિ ને લીધે. 


         પાંજરું  ખોલતાની સાથે જ સામે બે ત્રણ હારમાળાઓ દેખાઈ , ડબ્બા- ડબ્બી , બરણીઓ અને  બાટલીઓની . જયાં જે બંધબેસતું આવે ત્યાં . આ જોઈને પૃથા ઘડીભર અચંબો પામી ગઈ હતી. આ પાંજરું નહોતું દાદીના મસ્તિષ્કનો નકશો હતો. 

કેટલો સંગ્રહ મગજમાં અને ઘરમાં . નાની હિંગની ડબ્બીમાં કંકુ , કાચની શીશીમાં એરંડાનું તેલ, એની બાજુમાં થોડુંક ગ્લિસરીન , મોટી બાટલીમાં કોપરેલ , બાજુમાં બે ત્રણ દાતણની ડાળીઓ. કદાચ કોઈદિવસ જરુર પડે . એક કટાઈ ગયેલા ડબ્બામાં થોડી બદામ , સુકાઈ ગયેલો શાહીનો ખડિયો , ખવાઈ ગયેલા કાગળમાં ચીટકેલો ખાવાનો ગુંદર , કોઈએ આપેલી “ કેમી “ સાબુની ગોટી, 

 અરે !!!!!  નાના બાળકની દૂધની બોટલ સુધધાં હતી. 

એક હવાઈ ગયેલું દિવાસળીનું બાકસ , આ બાકસ ગામડાંમાં જ ઉપલબ્ધ હતું ત્યાંથી  મુંબઈ આવ્યું હશે . એક પતરાના ડબ્બામાં એક પૈસો , બે પૈસા , પાંચ પૈસા એમ કરીને ખાસ્સું ત્રણ રુપીઆનું પરચુરણ હતું. 


       ઊર્મિલાને હંમેશા અછત જ હતી , પૈસાની, વસ્તુઓની, પ્રેમની . જીવનમાં મળેલી નિરાશાને ડબ્બા- ડબ્બી પાછળ ક્યાંક સંતાડી દીધી. એક દિવસની  ટ્રેનની  ટિકિટમાં પાંચ છ ઘરો ગણી આવતી , એક - બે પૈસા પણ સાચવતી આ સ્ત્રી કેટલી અસુરક્ષિત હતી. 

આખો દિવસ ઠાકોરજીની સેવા ,  સવારથી નિત્ય કરમ ના પાઠ , આરતી , અને ભજન કરતી જાય . 

“ હરખ ભરી તારે દરબારે આવું , તું નથી જોતો સામું  રે” શ્રીનાથજીનું આ ભજન ગાતા ગાતા કોણ જાણે ભગવાન પાસે શું માંગતી હતી . ખરેખર તો એને કાંઈ જોઈતું પણ નહોતું હવે જીવનમાં .  પૃથા પણ સેવામાં જોડાય તો દાદીને ખુબ આનંદ થતો. 


           સમજણ આવ્યા પછી પૃથાને દાદી પ્રત્યે ખુબ સ્હાનુભુતિ વરતાતી . આ સ્ત્રીનું આખું જીવન રઝળતા જ પસાર થયું. નહી ફળેલા મનોરથથી , અને નહી સંતોષાએલી તૃષ્ણાઓને લીધે એનો સ્વભાવ કટકટીઓ અને ઉપણ  કાઢતો થઈ ગયો. કેટલો વિલાપ ભર્યો હશે એના મનમાં કે એનું પૃથક્કરણ કરીને સતત બડબડ કર્યા જ કરતી. આ બડબડવું એટલું તીવ્ર હતું કે સામાવાળો પિત્તો ગુમાવી બેસે , એનાથી કાંઈ સકારાત્મક પરિણામ આવતું નહોતું . આવું  જીવન એણે કયાં જન્મના કર્મો ભોગવ્વા લીધું હશે?  પૃથાને બહુ વ્હાલ તો ન્હોતું મળ્યું દાદી પાસેથી પણ જે એની સામે હતું એ વ્હાલ કરતાં ઓછું નહોતું . 

પણ એવું શું હતું એ લાલ પૂંઠાના બોકસમાં ? 

બે ત્રણ દાગીના અને એક કાગળ પર લખાણ , 




                                                                      તા. ૧૭-૧૦-૮૪


હું હયાત ન હોઉં ત્યારે  પૃથાને દાદી તરફથી આટલી વસ્તુઓ વારસામાં 

આપવાની છે . 


૧ સોનાનો અછોડો

૨ સોનાની બંગડીઓ

૨  જોડી ચાંદીની  સાંકળો

૨  લાલ ચુડી

થોડા છુટ્ટાં મોતી 

                                                                    સહી,

                                                                   ઊર્મિલા દાદી 



         “વારસો” આ શબ્દ પૃથાને ભાવુક કરી ગયો. દુનિયામાંથી જતી વખતે પોતાના વારસોને  યાદગીરી રુપે કાંઈક આપવું. જેમ પક્ષીને ઝાડનો અને વાદળ તરફથી વરસાદનો વારસો જમીનને .વિધવા દાદી , વિધુર પિતા અને મા વગરની પૃથા કોને ખબર લાગણીઓ વ્યક્ત કરી શકયા કે નહી , કુંટુંબની જેમ રહી શકયા કે નહી , પણ આખરે તો આ પણ એક કુટુંબ જ હતું . કુટુંબની ભાવના માટે પૃથા ઘણા વરસો તરસતી રહી હતી. પૃથાએ આ વાંચીને હવે આંખોને છુટ આપી એટલે આંસુઓએ અશ્વદોટ મુકી . એટલામાં કાર્તિકનો અવાજ આવ્યો , 

“ પૃથા ચાલ જરા આંટો મારી આવીએ.” 

પૃથાએ ફટ દઈને બોકસ બંધ કરી દીધું . આંખો લુછતા લુછતા , શરદી થઈ હોય એમ મોઢાં પર હાથ ફેરવતા “ આવું  છુંકહીને રુમની બહાર નીકળી ગઈ. જતાં જતાં 

 “  શ્રીનાથજી બાવા તો છેલછબીલા  ……..” દાદીનું આ ભજન પૃથાના મનમાં ગુંજતું રહ્યું . 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪