વાદળી રંગની મેટાડોર ગાડી મુંબઈના સાંતાકુ્ઝ એરપોર્ટની સામે આવીને ઊભી રહી . ઝડપથી સૂર્યકાંતભાઈ ડ્રાઇવરની સીટમાથી નીચે ઉતરીને ડીકીમાંથી બેગો કાઢવા દોડી ગયા. બે, ત્રણ, અને ચાર એમ બેગોની ગણતરી કરી. સૂર્યકાંતભાઈની પછી નિલકંઠભાઈ અને પ્રેમલતાભાભી પણ ગાડીમાંથી ઉતર્યા. નિલકંઠભાઈને ભીડમાંપણ દૂરથી ઓળખી જવાય , પાંચફુટ દસઈંચ જેટલી ઊંચાઈ ,સહેજ ઘઉંવર્ણો રંગ અને ગંભીર ચહેરા પર જાડી ફ્રેમના કાળા ચશ્મા . કાળા રંગના સુટમાં પાત્રીસ વર્ષે નિલેશભાઈ મધ્યમ પણ મજબૂત બાંધવાળા લાગતા હતા . બી. કોમ. પાસ કર્યા પછી બેન્કમાં નોકરી કરતા હતા એમને પગાર પણ ઠીકઠાક જ હતો . એમને બનવું હતું ડોકટર પણ ઘરની સામાન્ય પરીસ્થિતીને લીધે પછી એકાઉન્ટટંટ બની ગયા . નિલકંઠભાઈના માબાપ ગામડે ખેતી કરતા અને પગમાં તકલીફ હોવાથી મુંબઈ આવી શક્યા ન હતા . હવે વિદેશમાં ભારતીય લોકોને નોકરી મળવા લાગી તેથી તેમને પણ જવાનો મોકો મળ્યો. છોકરાઓને ભવિષ્યમાં ઉજળી તકો મળી શકે તેથી એમણે વિદેશ જવાનો નિર્ણય લીધો હતો. પ્રેમલતાભાભીનું કદ ટૂંકું , ગોરો વર્ણ , લાંબાવાળ અને કાળી ભમ્મરો. ભમ્મરોની વચ્ચે મોટો લાલચાંલલો એમની લાલલીલી સાડી સાથે મેળ ખાતો હતો . મેટ્રિક પછી તુરંત લગ્ન થઈ ગયા હોવાથી પચીસવર્ષે એક બાબો વિનય, બેબી આશાલતા અને નવજાત બાળકી શર્મિલાને સંભાળવાની જવાબદારી એમના માથે જ હતી. સૂર્યકાંતભાઈ , પ્રેમલતાભાભીના ભાઈ થાય .ગઈકાલે રાતથી સૂર્યકાંતભાઈ અને એમની પત્ની અને સંતાનો સહિત ઘર બંધ કરાવવા અને સામાન બાંધવામાં મદદ કરાવવા નિલકંઠભાઈના ઘરે આવી ગયા હતા. એમની પાસે ગાડી હોવાથી આ કુટુંબને એરપોર્ટ મુકવા આવ્યા હતા. સાથે જ નિલકંઠભાઈના બેન, સુશીલાબેન અને એમના વર રંગીલદાસ પણ એમના ચાર છોકરાઓની સાથે ગઈકાલે રાતથી જ આ કુટુંબ સાથે હતા.પૂરુષોએ તો બે દિવસની રજા પાડી હતી. ગઈકાલ રાતથી મોટાઓ સૂતા નહોતા , માત્ર છોકરાઓને રાતે સુવડાવી દીધા હતા. નાની બે રૂમમાં આટલાં બધાં તો માઈ પણ ન શકે. પ્રેમલતાભાભીના લંબગોળ ચહેરાપર થાક દેખાઇ આવતોહતો છતાંય, એમની મોટી આંખો આશ્ચર્ય કે આધીરાઈથી પહોળી થઇને ખુલ્લા પાર્કિંગમાં જોવા લાગી .
“ તમે અંદર ચાલતા થાઓ હંમણાં સુશીલાબેન અને રંગીલદાસ ટેકસીમાં આવે છે. પાડોશી સવિતાબેન પણ આવેછે” . આટલું કહ્યા પછી સૂર્યકાંતભાઈ , નિલકંઠભાઈની સાથે સમાન લઇ આગળ ચાલતા થયા અને એમની પાછળ પ્રેમલતાભાભી બે ચાલતા બાળકો અને નાની બાળકીને ખભે તેડી એમની પાછળ એરપોર્ટમાં અંદર ગયા.
એરપોર્ટ બહુ વિશાળ તો નહોતું પણ પ્રવાસીઓની ઓછી સંખ્યા એને સુનુ દર્શાવતી હતી. જાણે જીવનના આગામી પડાવની સૂચના આપતી હોય.
સામાન ટિકીટબારી પર આપી દીધો હતો ત્યાં તો સુશીલાબેન, રંગીલદાસ એમના છોકરાઓ , સવિતાબેન અને એમનો દીકરો , અને સૂર્યકાંતભાઈની પત્ની , એમના ભાઈ અને ત્રણ સંતાનો , આટલા લોકોનો કાફલો આવી ચુકયો હતો. હજી ગ્રાઉંડ પર જવાની વાર હતી તેથી બધા ખુરસીપર બેસીને વાતો કરવા લાગ્યાં.
“ તમે બિલકુલ ચિંતા નહીં કરતા, જ્યારે પણ આવશો ત્યારે તમારું ઘર બરાબર હશે. અમે છીએ ને બાજુમાં પછી શેની ચિંતા છે? ” સવિતાબેન પૂરો ભરોસો આપવીને બોલ્યા.
“ હાં , મારી ઓફીસનો નંબર આપ્યો છે ને , તમારી મોડી રાત્રે મને ફોન કરી દેજો સોમથી ગુરુવાર સુધી તો હું નવ વાગ્યાસુધીમાં પહોંચી જ જાઉં છું . અને માર્રી સાળીનો અમેરિકાનો નંબર પણ નીચે છે ત્યાં જઈને એમને ફોન કરજો.” સૂર્યકાંતભાઈએ આજીજી કરી .તેમના પત્ની ગોમતીબેને પ્રેમલતાભાભીને ગુલાબી રંગ નું સ્વેટર ભેટમાં આપ્યું , સાથે પાસપોર્ટો અને અંગત વસ્તુઓ સાચવવાની સલાહ આપી જે પ્રેમલતાભાભીએ ધ્યાનથી સાંભળી. બીજી બાજુ બધા છોકરાંઓ સાથે મળીને રમતા હતા. રમતમાં વિનયને વાંધો પડ્યો તો એ પ્રેમલતાભાભી પાસે આવી ગયો. સુશીલાબેને એને ઊંચકી લીધો અને મનાવવાં લાગ્યાં કે
“ હવે તું અમેરિકા જવાનો , અમને યાદ કરીશને ?” આમ વાક્ય પુરું કરતાં કરતાં દુસકો ગળામાં જ અટકી રહ્યો.
ખરેખર તો આ એમને વિનયના માતાપિતાને કહેવું હતું. સુશીલાબેન હાથમાં કવર અને એક થેલી લાવ્યા હતા .કવરમાં દસ, દસ, દસ એમ ત્રણ છોકરાઓના ગણીને ત્રીસ રૂપિયા મૂકીને નિલકંઠભાઈના હાથમાં આપ્યા. આ રૂપિયા વિદેશમાં ચાલે નહીં છતાં નિલકંઠભાઇએ ખૂશીથી સ્વીકારી લીધાં કારણકે સુશીલાબેન પાસે એ જ હતા. સાથે થેલીમાથી સ્ટ્રોબેરી ચોકલેટની જાતે બનાવેલી બે માળાઓ કાઢીને ભાઈ અને ભાભીને પહેરવતા બોલ્યા,
“ વિમાનમાં ભૂખ લાગે ત્યારે ખાજો” અને બધા હસી પડ્યા.
“ અરે હું તો ભૂલી જ ગયો . આ લ્યો , સામેની બિલ્ડીંગવાળા વસંતકાકાનો ફોનનંબર, ક્યારેક ફોન કરીને મેસેજ આપવાનું કહેશો તો મને મળી જશે.” રંગીલદાસે ઉમેર્યું .
થોડાં વરસો વિદેશમાં કમાઈને થોડું સદ્ધર થઈને છોકરાઓને ભણાવીને પાછા વળવાનો નિલકંઠભાઈનો વિચાર હતો. પ્રેમલતાભાભીને ય એમની બા ને છોડીને જવું નહોતું પણ નિલકંઠભાઈ પાછા ક્યારે આવે એની હાલ તો કોઇ યોજના હતી નહીં. આખરે તો થોડા પૈસાટકા , અને વિમાનના ભાડા, બધું જોડાય તો જ અવાય ને.
મોટાંઓએ સવિતાબહેને લાવેલા થરમોસમાંથી ચહા પીધી . જેમ જેમ સમય પસાર થતો ગયો એમ નિલકંઠભાઈની અધીરાઈ વધવા લાગી. વિદેશમાં કુટુંબને કાંઈ થાય કરે તો કોણ મદદ કરશે ? અહી તો એમનું કુટુંબ સવિતાબેન જેવા પાડોશી , અને પરીવારની છત્રછાયામાં રહેવા ટેવાયેલું હતું , ત્યારે રંગીલદાસે એમના ખભે હાથ મૂકીને કહ્યું
“ એક વાર કોશિશ કરી જુવો નહીંતર અહી ઘર તો છે જ”. નિલકંઠભાઈના ભાણિયા ભત્રીજિયાઓ પાછળ થી એકસાથે બોલ્યા “ મામા પાછા આવો ત્યારે અમારે માટે સ્કેચપેનનો સેટ લેતા આવજો .” એમની ભાણી પણ બોલી “ મામી મારે માટે ઢીંગલી લાવશો ? અને પ્રેમલતાભાભીને વળગી પડી . પ્રેમલતાભાભી નાની શર્મિલાને સુવડાવવાનો ઢોંગ કરતા નીચું જોઈ છાનું છાનું રડી પડ્યા .
રાતના દસ વાગી ગયા અને હવે વિમાનમાં જવાનો સમય થઈ ગયો . સંબંધીઓ નિલકંઠભાઈ અને ભાભીને ભીની આંખે વિદાય આપવા લાગ્યાં એમના સંતાનોને કહેતા “ મામાને આવજો કરી દે પછી ખબર નહીં ક્યારે મળશું.” છોકરાઓને પણ જબરી માયા હતી નિલકંઠભાઈની પગે લાગી ધ્રુસકે ધ્રુસકે રડી જ પડ્યા . આમ ભારે હ્રદયે આ કુટુંબ ગ્રાઉંડ તરફ જવા માંડ્યું એટલામા પાછળથી સુશીલાબેન દોડતા આવ્યા ,
“ અરે ભાભી !! ઉભા રહો , આ બળેવની રાખડીઓ ભાઈ અને વિનયમાટે” , સુશીલાબેને પાકીટમાંથી ઉતાવળથી રાખડી બહાર કાઢતાં કહ્યું . આટલો બધો સ્નેહ જાણે ઈશ્વરે જાતે પ્રેમનું સંપેતરું પરીવારના હાથે મોકલ્યું હોય . આટલા બધા પ્રેમના સંપેતરા છોડીને કેમ જવાય !! આભારીભાવે પ્રેમલતાભાભીએ રાખડીઓ પાકીટમાં મૂકી દીધી અને જય શ્રી કૃષ્ણ કહીને ભીની આંખે ગેટની બહાર નીકળી ગયા .
અમુક વર્ષો પછી ……
“ અમે અહી આવ્યા , શરુઆતમાં ખુબ જ મુશ્કિલ હતું , તારા કાકાને થોડું આવડે પણ મને તો બિલકુલ અંગ્રેજી આવડતું નહીં . કોઇ વાત કરનારું મળે નહીં , બહાર જઈએ તો કોઈ બોલેલું સમજી ના શકે કે મને સમજાવતા આવડે નહીં , આ તો જ્યારે છોકરાઓ બીજા ધોરણમાં આવ્યા ત્યારે એ અંગ્રેજી બોલવા લાગ્યા અને હું એમની સાથે શીખી. પહેલા કમાવવા માટે , પછી ઘર માટે , પછી છોકરાઓના ભણતરને માટે , પછી એમને સેટ કરવા માટે , એ મોટા થઈને પાછા ભારત જવા નહોતા માંગતા , એમના સંસારને જોવા માટે અને આખરે તબિયત માટે હું અને તારા કાકા અહિં જ સ્થાયી થઈ ગયાં છીયે .” પ્રૌઢ ઉંમરે પણ પ્રેમલતાકાકી આટલું એક વાક્યમાં બોલી જતા . સામે બેસેલી હેમાક્ષી એમને સાંભળતી જ રહી .
“ પછી તમે પાછા ક્યારે મળ્યાં તમારા પરિવારને ? “ એણે કુતૂહલથી પૂછ્યું . થોડું પાણી પીને પ્રેમલતાભાભી પાછા શરૂ થયા “ “પહેલા થોડા વર્ષો તો અમે જઈ ન શકયા , તારા કાકાને બધી લોન ચૂકવવાની હતી અને ઘર પણ ચલાવવાનું હતું . કોઇ માંદુસાજું થાય તો ખર્ચો વધી જાય જ્યારે થોડું ઠરીઠામ થયું ત્યાર પછી અમે બે ત્રણ વરસે મળી આવતા . “
“ તમારા સગાવહાલા હજી ત્યાં જ છે ?” હેમાક્ષીએ ઉત્સુકતાથી પુછ્યું . હવે પ્રેમલતાભાભી કશુંકયાદ કરતાંહોય એમ વિચારીને બોલ્યા “ મારી બાના મૃત્યુ પછી સૂર્યકાંતભાઈ અને ગોમતીભાભી આફ્રિકા જતા રહ્યા એમના નાના છોકરાની સાથે રહેવા , સવિતાબેન ઈંગ્લેન્ડમાં એમના છોકરા સાથે રહે છે . અમે હવે ફોન પર સંપર્કમાં રહીએ છીએ. સુશીલાબેન અને રંગીલદાસ તો બિમારીમાં મૃત્યુ પામ્યા છે , ભાણા -ભાણીઓ બધા સુખી છે એટલે વાંધો નથી.”
હેમાક્ષી થોડા મહિના પહેલા પરણીને અમેરિકા આવી હતી. ભારતીય લોકોને મળવા માટે ઇસ્કોન મંદિરમાં જવાનું રાખ્યુ હતુ . અહીં જ એની ઓળખ પ્રેમલતાકાકી સાથે થઈ હતી .પ્રેમલતાકાકીને પણ બધાને પોતાની આપવીતી કહેવાનુ બહુ ગમતું .
પ્રેમલતાકાકીએ બોલવાનું ચાલુ રાખ્યું ,
“ શાખાઓ ભલે અહીં પ્રસરે પણ મૂળિયા તો દેશમાં જ જકડાયેલા હોય છે એને તો એજ હૂંફ અને આત્મીયતાનું પોષણ જોઈતું હોય છે . અહીં મોટા ભાગના સંબંધો પરસ્પરની જરૂરીયાતો પર બંધાતા હોય છે અને અજાણ્તા છૂટી પણ જતા હોય છે . વિદેશમાં રહેવા માટે મક્કમ મનોબળ અને બહુ સહનશીલતા જોઈએ, નવી દુનિયામાં નવા લોકોની સાથે નિકટતા કેળવવતા વર્ષો થઈ જાય છે અને મનને કોઇ સમજનારું જોઈતું હોય છે એ વિક્રમ વૈતાળની વાર્તાના વૈતાળની જેમ પાછું પોતીકાની તરફ જ જઈને ટંગાતું રહે છે . અમારા સમયમાં તો પત્રોથી જ મોટેભાગે વાર્તાલાપ થતો , પત્રમાં ઘરની , કુટુંબની , દેશની બધી માહિતી મળતી . એક જ પત્રમાં ઘરના દરેક લોકો જુદા જુદા ફકરામાં લખતાં. પંદર વીસ દિવસો સુધી પણ પત્રોની રાહ જોવાતી , કેમકે પત્રોથી જ, એ , અમારા ને અમે એમના જીવનનો ભાગ બની રહેતા હતા . પહેલાં વિના સંકોચે સામેની બિલ્ડીંગમાં પણ ટ્રન્કકોલ પણ કરાતા , પહેલો ફોન તો સુશીલાબહેનને બોલાવ્વા માટે થતો, ત્રણ માળા ચઢવાનો સમય ગણીને પછી અમે પાછો ફોન કરતાં . ત્યાં વચ્ચે ઓપરેટર પણ કાંઈ કાંઈ બોલ્યા કરે, થોડું સમજાય થોડું ખોવાઈ જાય , પણ અમારી લાગણી પુરેપુરી હતી.”
હવે આરતીનો સમય થઈ ગયો અને આજુબાજુ બીજા લોકો ગોઠવાઈ ગયા . અજાણતા જ પ્રેમલતાકાકી આગળ જતા રહ્યા અને હેમાક્ષી એના વર મયંક સાથે પાછળ રહી ગઈ .
પ્રસાદ લીધા પછી મોડી સાંજે ઘરે પાછા વળતા મંદિર જઈને મયંકનું મન તો આનંદિત હતું પણ અકારણે ખિન્ન થયેલું હેમાક્ષીનું મન એને દોરી ગયું મુંબઈની નાનકડાં ઘરમાં જયાં હેમાક્ષી અને એની બહેન મિનાક્ષી સાથે મોટા થયા હતા . બંને બેનોમાં પાંચ વરસનો ફરક હતો . મિનાક્ષી મોટી હતી એ એમ.બી.બી.એસનું ભણી હતી અને ડૉક્ટર સાથે જ પરણી હતી . હેમાક્ષીએ એન્જિનિરીંગ કર્યું હતું . હેમાક્ષી કોલેજમાં હતી ત્યારે એમની મમ્મીનું અકારણ અવસાન થયું હતું . મિનાક્ષી એના સાસરામાં , રેસીડેન્સીમાં અને વોલન્ટિરિંગમાં વ્યસ્ત રહેતી . જ્યારે હેમાક્ષીને પરણીને અમેરિકા આવવાનું થયું ત્યારે મિનાક્ષી ગ્રામીણપ્રદેશમાં વોલન્ટિરિંગ પ્રોજેક્ટમાં જોડાઈ હતી તેથી મુંબઈ આવી ન શકી હતી . એ સાંજે હેમાક્ષીને બે ત્રણ વડીલો મળી ગયા હતા . ટેકસી કરી પપ્પાની સાથે હેમાક્ષી એરપોર્ટ આવી , ત્યાં બે સગાં ઊભા ઊભા મળી ગયાં . હવે એરપોર્ટમાં પ્રવાસી સિવાય બીજાને અંદર જવા દેતા ન હતા . હેમાક્ષીના પપ્પાને લાગણી વ્યક્ત કરતાની માહિરતા ન હતી , પાછળ રહી ગયેલી વસ્તુઓનો નિકાલ શી રીતે કરવો અને પહોંચીને ફોન કરીવાની સુચના આપી તેઓ રવાના થયા .
પ્રેમલતાકાકી બોલ્યા હતા કે આ જનરેશન કેટલું નસીબદાર છે કે અડધી મિનિટમાં ફોન થઈ જાય છે. ફોનપર પણ બધાને જોઈ શકાય સોસિયલ મિડીયા ઉપર , એ યાદ કરીને હેમાક્ષીને મનમાં બળાપો થયો કેમકે હેમાક્ષીના પપ્પાને તો આધુનિક ફોન ફાવતા નહોતા અને બહુ વાત કરતા પણ આવડતી નહી. એ હવે મિનાક્ષીના ઘરે એની સાથે જ રહેતાં . હેમાક્ષીને જાણે બધાએ સંન્યાસ જ આપી દીધો હોય. મિનાક્ષી પણ એના ડૉક્ટર વર રાજીવ સાથે પોતાના ક્લિનિકમાં બિઝી રહેતી ઉપરાંત રાતદિવસના સમયના તફાવતને લીધે વરસમાં માંડ બે-ત્રણ વાર વાત થતી . હેમાક્ષીને યાદ આવ્યું કે ગઈ વખત મિનાક્ષીએ જાણે ફોન માંડ પકડી રાખ્યો હોય એમ એ વાર્તાલાપમાં સુન જ હતી અને પોતાના દીકરા ‘ ધન ‘ ને વચ્ચેવચ્ચે ટકોર કર્યા કરતી હતી એટલું કે હેમાક્ષીએ કંટાળીને ફોન મુકી દીધો .
હેમાક્ષીનો હજી વિદેશના સામાજીક અને વ્યવસાયીક કલચર, એના સાસરાની જીવનશૈલીની સાથે મેળ ગોઠવાયો નહોતો . એને જાણે પારકા દેશમાં બધી બાજુથી વાર થતો હોય એમ લાગતું . બે અઠવાડીયા પહેલાં તો એને કેટલું બધું ઉભરાઈ આવ્યું હતું એને થતું કોઈકની સાથે વાત કરીને મન હળવું કરે પણ એની બહેનપણીઓ પણ એની જેમ નવોઢા હતી અને કારકિર્દીમાં સમય ફાળવતી હતી . હા , એમની મમ્મીઓ, બહેનો અને મિત્રો વધારે નજીક હતા . બીજા બધા સગા સંબંધીઓ પણ પોતાના વર્તુળમાં જ ફરતા હતા . ફોન ઉપાડવા માટે કોઈ નવરું નહોતું . ક્યારેક ખાવાનો , ક્યારેક જવાનો , ક્યારેક કોઇના આવવાનો , ક્યારેક મજા કરવાનો , ક્યારેક સુવાનો બધાનો સમય હતો પણ કોઇને મફતમાં પણ અમસ્તા મેસેજ કરવાનો સમય નહોતો. આટલો બધો સંવાદ મનમાં ચાલતો હોવાથી ગાડી ઘર સામે ક્યારે આવીને ઉભી રહી એનું ધ્યાન ન રહ્યું . મયંકે જ્યારે પાછળની સીટમાંથી બેગ લેવાનું કહ્યું ત્યારે હેમાક્ષી એની એકાંકીકામાંથી બહાર આવી .
થોડાં વર્ષો પછી ….
હવે તો હેમાક્ષીને પણ થોડા વર્ષો થઈ ગયા હતા . અમુક વાર ભારત પણ જઈ આવી પણ નાના છોકરાઓ સાથે જવાનું બહું ફાવતું નહી . અમેરિકામાં સેટલ થઈને એને હવે આદત પડી ગઈ હતી કે જેમ રોટલો મળે પણ એટલો ન મળે એમ હવે ફોન મળે પણ કરે તો વાર્તાલાપ કરનારું કોઈ ન મળે .એને આદત થઈ ગઈ હતી કોઈ પણ સલાહસુચન માટે ફોન તરફ જ વળવાની . એને આદત થઈ ગઈ હતી , પિકચર જોઈને ફોનમાં રિવયુસ વાંચીને ચર્ચાનો આનંદ લેવાની . બીજાની તો શું વાત કરે એના નજીકના મિત્રો પણ એનામા બહું રસ લેતાં નહીં. બધા વ્યસ્ત હતા વ્યસ્તાના ભ્રમમાં .
કોઈકવાર એને વિચાર થતો કે શું મિનાક્ષીના છોકરાઓને પણ એમની મમ્મીની જેમ રીંગણ નહીં ભાવતા હોય ? હેમાક્ષીને યાદ હતું એકવાર મજાકમાં ખોટું બોલવાથી મિનાક્ષીએ એને લાફો માર્યો હતો , શું એના છોકરાઓ પર એ એટલી જ સખ્ત હતી . એને વિચાર થતો , બજારમાં કાંદાબટેટાવાળો હજી ત્યાંજ પોકાર લગાવીને ધંધો કરતો હશે ? એને વિચાર થતો કે કોલેજ સમયે જે કપડાં કે વસ્તુઓનો માોહ હતો પણ પોષી શકાતી નહોતી એમાં એની બહેનપણી યથા કે મિનાક્ષીને હવે એટલી જ ઉત્તેજના અને ખુશી મળતી હશે ? એને વિચાર થતો શું મોટાં થઈને એના સંતાનો અને મિનાક્ષીના સંતાનો વચ્ચે મેળમિલાપ હશે ? કોઈકવાર હેમાક્ષીને પણ થતું કો’ક એને પણ પરી અને નીલને ઉછેરવામાં મદદ કરવા આવે પરંતું પપ્પા તબિયતનું કે મિનાક્ષીના કરીઅરનું બહાનું કાઢી ટાળી દેતા . હેમાક્ષીને હવે આદત પડી ગઈ હતી કે,
“ કેમ છે , સારું છે?”
“ તબિયત કેમ છે ?”
“ મૌસમ કેવી છે ?” આવા ચારપાંચ ઔપચારીક સવાલજવાબમાં જ સંબંધ છે એમ સમજીને સંતુષ્ટ રહેવાનું .
સમય જતા આ જ જાણે પરંપરા થઈ ગઈ હતી . આકાશના ગ્રહોની જેમ બધા પોતાના વર્તુળમાં જ પરિક્રમમાં કર્યા કરે. કોની સાથે કેટલી ભાવના રાખવી એ ગણતરી પણ ગણિતના ફોરમુલાની જેમ ગણેલી જ હોય . કોઈ વર્તુળની બહાર ફેંકાય જાય અને બ્લેકહોલમાં ખેંચાઈ જાય તો પણ ગ્રહો ફર્યાં જ કરે . પ્રેમલતાકાકી ચાલીશ વર્ષ પહેલા એમનું સ્નેહનું સંપેતરું પાછળ છોડીને આવ્યા હતા પણ બંને પક્ષે કરાયેલા ટ્રન્કકોલ અને પત્રોથી એને સચવાતું રહ્યું . જ્યારે હેમાક્ષીનું સંપેતરું પ્રવાસમાં ક્યાંક એવું ખોવાયું કે પાછું જડ્યું જ નહી.
————————