અમેરિકાના જ્યોર્જ ટાઉન ગામમાં જેમ જેમ અંદર જાવ એમ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા નૈસર્ગિક વિસ્તારમાં , મોટા મોટા પાઇન ના વૄક્ષો, નાના નાના તળાવો, ઊંચી નીચી ટેકરીઓની વચ્ચે બનાવેલો રસ્તો આવે જેમાં લોકો હાઈકિંગ, વોકિંગ કરવા આવે. આ રિઝર્વેશન થી અડધી માઇલ આગળ જતા છુટા છવાયા ઘરે આવે જે ઊંચા ઊંચા વૄક્ષોથી પોતાની એકાંતતા જાળવી રાખતા. આ વિસ્તારમાં દોઢ એકર જેટલી જમીન પર સફેદ રંગનો વિશાળ બંગલો આવે, બંગલાના ગેટ ની અંદર દાખલ થતા બરાબર વચ્ચોવચ એક આકર્ષક ફુવારો દેખાય ,તેની ફરતે ગાડી માટે બનાવેલો રસ્તો એટલે ડ્રાઇવ - વે , જે બંગલાની એક તરફ આવેલા દરવાજા તરફ પૂરો થાય. બંગલાની બીજી તરફ સોફા અને તાપણાંની બેઠક એની પાછળ સ્વિમિંગ પુલ અને આઉટડોર ટેબલ ખુરશી ,ટેબલના અંતે બીજી તરફ અંદર જવાનો ત્રીજો દરવાજો અને વચ્ચેની ખાલી જગ્યા માં ઘાસ અને ફૂલોના છોડો થી સજાવેલું ગાર્ડન. બંગલાના મુખ્ય દરવાજા ઉપર અર્ધ વર્તુળાકાર બાલકની અને એની વાડ પર સજાવેલા ફૂલોના છોડપાન. મોટી મોટી બારીઓ ,એમાંથી દેખાતા પ્રજ્વલિત ભવ્ય ઝુમ્મર અને મોર્ડન ફર્નિચર રસ્તા પર જતા આવતા લોકોનું ધ્યાન આકર્ષિત કરતું. આવા સુંદર બંગલામાં કોણ રહેતું હશે ? એ પ્રશ્ન પણ ઘણા લોકોના મનમાં થતો હશે.
મુંબઈની પ્રખ્યાત મેડિકલ કોલેજમાં એમબીબીએસ કર્યા પછી અમેરિકામાં રેસીડેન્સી અને માસ્ટર્સ કરીને સ્થાયી થયેલા દંપત્તિ , ડોક્ટર શૌર્ય મહેતા ન્યુરોલોજીસ્ટ અને જનરલ મેડિસિન ડોક્ટર આર્યા મહેતાએ પોતાની નિપુણ કારકિર્દીમાં આગળ વધીને આ બંગલો ખરીદ્યો હતો. શૌર્ય ૩૫ વર્ષનો ઊંચો, કસરત કરીને તંદુરસ્ત બાંધાવાળા શરીર અને આત્મવિશ્વાસથી ઝલકતી આંખોવાળો માતા પિતાનું સન્માન કરનારો પુત્ર હતો. આટલા વર્ષો ભણવામાં વિતાવેલા હોવાથી થોડો અંતર મુખી સ્વભાવ ધરાવતો હતો. આર્યા પણ શૌર્યની બેચમાં જ ભણી હતી, બંને મેડિકલ સ્કૂલના એક શિબિરમાં મળ્યા હતા અને એકબીજાને પસંદ કરી ચૂક્યા હતા. દેખાવમાં ઊંચી, સુડોળ બાંધો, માંજરી આંખો અને ખૂબ જ મળતાવડા સ્વભાવની આર્યા , શૌયૅના માતા પિતા અજયભાઈ અને નીલાંગીબેન ને પણ ખૂબ જ પસંદ પડી ગઈ હતી. આખું જીવન હોસ્પિટલની નવ થી છ ની ક્લેરીકલ નોકરીમાં વિતાવી ચૂકેલા અજયભાઈ ને બાળપણમાં ચિત્રકામમાં ખૂબ જ રસ હતો પણ માસિક આવક માટે એમને આ નોકરી સ્વીકારવી પડી હતી. ધીરે ધીરે જેમ જવાબદારીઓ વધતી ગઇ, એમ ચિત્રકામ નો શોખ સુકાતો ગયો. મધ્યમ વર્ગીય જીવનશૈલીમાં રહેતા રહેતા એમની જરૂરિયાતો પણ સંકોચાઈ ગઈ હતી, ઉંમર વધવાની સાથે ઝૂકી ગયેલા ખભા અને મોઢાં પર ઉપસેલી કરચલીઓ છતાં મોઢા પર અનેરો સંતોષ પ્રગટી આવતો હતો. બે ત્રણ રોગોએ પણ શરીરમાં ઘર કરી લીધું હતું. એમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે શૌર્યનુ ડોક્ટર બનવું અને એમની દીકરી હેતાનું કોમ્પ્યુટર એન્જિનિયર બનવું. હેતા પરણીને એના સાસરામાં સુખી હતી. નીલાંગીબેન, એમના પત્ની , એક કુશળ ગૃહિણી હતા. એમણે પણ ઇકોનોમિક્સ માં બી. એ .કર્યું હતું. . નીલાંગીબેને પણ શૌર્ય અને હેતાના શિક્ષણ અને પાલનપોષણ માટે રાત દિવસ એક કરી દીધા હતા. નીલાંગીબેનનો સ્વભાવ બહુ જ બોલકણો હતો, મુંબઈના ડબલ રૂમમાં રહેતા નીલાંગીબેનને નવરા પડે એટલે પાડોશી સાથે ગપ્પા મારવાની આદત હતી. આમેય એમની ગલીમાં નીચે ઉતરે એટલે પાડોશી, દુકાનદારો, શાકભાજીવાળા બધાની સાથે નીલાંગીબેન શબ્દોની આપ લે કરતા.
શૌયૅએ જ્યારે આ નવું ઘર લીધું ત્યારે માતા પિતાને પોતાની સાથે કાયમ માટે રહેવા બોલાવી લીધા હતા. શરૂઆતમાં અજયભાઈ અને નીલાંગીબેન પોતાના દીકરા , વહુ અને પૌત્ર લક્ષ્ય ની સાથે બહુ ખુશ હતા. પોતાના થોડા ઘણા નજીકના સગાઓને મળવા પણ ગયા હતા પણ આખરે એ દિવસ આવ્યો જ્યારે શૌયૅ, આર્યા અને લક્ષ્યને પોતપોતાના સમયપત્રક પ્રમાણે આ વિશાળ ઘરની બહાર જવાનું થયું. ત્યારથી આ અતિ સુંદર અને આકર્ષક બંગલામાં અજયભાઈ અને નીલાંગીબેન એકલા જ પડી ગયા હતા માત્ર લક્ષ્યની નેની કેટી જ ઘરમાં રહેતી. નેની થોડું ઘરકામમાં મદદ કરતી. શૌર્ય અને આર્યાએ મમ્મી પપ્પાને કાંઈ પણ તકલીફ ન પડે એટલે રસોઈ કરવા માટે એક ગુજરાતી બેનને પણ રાખ્યા હતા જે સોમવારે અને ગુરુવારે આવીને ત્રણ ત્રણ દિવસનું રાંધી જતા ઉપરાંત નાસ્તા માટે થેપલા કે મુઠીયા જેવું કાંઈ બનાવી આપતા. ઘણા વર્ષોથી અમેરિકામાં રહીને ટેવાઈ ગયેલ શૌર્ય અને આર્યા સવારે કોફી સાથે સીરીયલ કે બેગલ ખાઈને હોસ્પિટલ જવા રવાના થતા. બાજુના જ ગામમાં નવી હોસ્પિટલ બની હોવાથી ત્યાં જ બંનેને સાથે પ્રેક્ટિસ કરવાની તક મળી હતી. બપોરે લંચ માટે આર્યા ઘરેથી સેન્ડવીચ કે પાસ્તા જેવું કાંઈ જલ્દી થી ખવાય એવું ભરીને લઈ જતી. લક્ષ્યનું બધું ધ્યાન કેટી રાખતી હતી .સવારે એને સ્કુલ માટે તૈયાર કરી દેતી . લક્ષ્યને થોડી દૂર આવેલી પ્રાઇવેટ સ્કૂલમાં બીજા ધોરણમાં એડમિશન મળ્યું હતું એને પણ સ્કૂલ બસમાં બેસીને જતા આવતા એક કલાક થતો. ઘરે આવીને લક્ષ્યને પણ જો ગુજરાતી ખાવાનું ન ખાવું હોય તો એની નેની એને મેકિંગ ચીઝ કે પીઝા મંગાવી આપતી.
મોડી સાંજે હોસ્પિટલથી પાછા આવતા શૌર્ય અને આર્યા ઘણીવાર કોઈ પાર્ટી કે સ્કૂલની મીટીંગોમાં તો કોઈ વાર પોતાના કામમાં વ્યસ્ત રહેતા. ડોકટર હોવાથી એમનો ઘણો સમય નવીનવી માહિતી જાણવામાં વીતતો. જે થોડો ઘણો સમય મળતો હોય એ લક્ષ્યની સોકર પ્રેક્ટિસ અને પિયાનો લેસનસમાં જતો રહેતો. આમ અજયભાઈ અને નીલાંગીબેન બહુ જ નવરા થઈ ગયા હતા અને બે ત્રણ મહિનામાં એટલા કંટાળી ગયા હતા કે એમનું સ્વાસ્થ્ય પણ ઢીલું પાડવા લાગ્યું હતું. મુંબઈમાં સખત ભીડમાં રહેલા આ દંપત્તિને આ મોટા ઘરની શાંતિ કોરી ખાતી હતી. બહારની દુનિયાથી સંપર્ક જ જાણે તુટી ગયો હતો . ઘણીવાર એમને પાછા જવાનો વિચાર આવ્યો પણ તેઓ એમના પુત્ર અને પુત્રવધુ ની ભાવનાઓને ઠેસ પહોંચાડવા ન માગતા હતા . આમ તો આ મોટું સૌભાગ્ય જ હતું કે તેમના પુત્ર અને પુત્રવધુ એમને પોતાની સાથે રાખવા માટે ઉત્સાહી હતા. એમને નાના લક્ષ્યને પણ મોટો થતાં જોવાનો લહાવો મળ્યો હતો. . ઘણીવાર નીલાંગીબેન લક્ષ્યને ગુજરાતી શીખવવાના પ્રયત્ન પણ કરતાં પણ પોતાની દિનચર્યાથી થાકેલો લક્ષ્ય જોકા ખાવા લાગતો.આટલા મોટા ઘરમાં બહુ બહુ તો પોતાના રૂમથી કિચન સુધી જવાનું બહાર નીકળીને સોફા પર બેસવાનું કે કોઈ સાથે ફોન પર વાતો કરવાની. શૌર્યએ તો હિંદી ટીવી ચેનલ પણ લીધી હતી પણ એમાં માત્ર આ અમુક જ કાર્યક્રમમાં આવતા હતા. અજયભાઈ અને નીલાંગીબેન ફોનમાં થોડું થોડું વાંચન પણ કરી લેતા. આજ નિત્યક્રમથી કંટાળીને ચાલતા ચાલતા નીલાંગીબેનનો ફોન હાથમાંથી સરકી ડ્રાઇવે માં પડતા તૂટી ગયો હતો. ગયા અઠવાડિયે એમનો ૬૦ મો જન્મદિવસ હતો એટલે શૌર્યએ મમ્મીને નવીનતમ મોડેલનો ફોન ભેટમાં આપ્યો હતો.
" મમ્મી આ એકદમ નવું મોડલ છે, આર્યાને જોઈતો હતો એટલે મેં એક તમારા માટે પણ લીધો છે આમાં તમે ગુજરાતીમાં મેસેજ પણ કરી શકશો.", શૌર્યએ ખૂબ જ ઉત્સાહથી કહ્યું.
"મારે હવે શું કરવું છે નવા મોડલને , ફોન કરી શકાય એટલે પત્યું" નીલાંગીબેને ઉત્તર આપ્યો. એમનો ઇરાદો શૌર્યની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો પણ પોતાના નિત્યક્રમથી થોડા કંટાળી ગયેલા મગજે શબ્દોનો સાથ ન આપ્યો. .
ત્યાં બેસેલી આર્યા તરત બોલી ઉઠી" મમ્મી તમે ધીરે ધીરે શીખી જશો અને કાંઈ વાંધો હોય તો કેટીને પૂછી લેજો. કેટી પાસે ટ્રાન્સલેશન એપ છે એ તમને બતાવશે." નીલાંગીબેન અને અજયભાઈને અંગ્રેજી તો આવડતું પણ અમેરિકન ઉચ્ચારો સમજી ન શકતા . એ સાંજે ડિનર પત્યા પછી આર્યાએ વાસણો અને રસોડું સાફ કરી નાખ્યા અને પછી બધા પોતપોતાની રૂમમાં પોતાનું કામ કરવા બેસી ગયા. નાના લક્ષ્યને પણ પોતાનું હોમવર્ક કરવાનું હતું.
નીલાંગીબેન ને એક વિચાર આવ્યો કે એમણે પણ કાંઈક કરવું જેનાથી એમનું એકલતાપણું દૂર થાય. બીજે દિવસે મંગળવારની સવારે જ્યારે બધા ઘરની બહાર ગયા ત્યારે તેમણે પોતે રસોડામાં જઈને કાંઈ બનાવીને એનો વિડિયો લેવાનું નક્કી કર્યું. અજયભાઈને બહુ ગમ્યું નહીં છતાં પત્નીનું મન રાખવા એ રાજી થયા. નીલાંગીબેને થોડો શીરો બનાવીને એનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો. એ તો મનમાં ખૂબ ખુશ થતા હતા વારે ઘડીએ કેટલા લોકોએ જોયું એ પણ ચેક કરવા લાગ્યા.
થોડા લોકોએ તો કોમેન્ટ પણ કરી કે "આંટી તમે બહુ સરસ શીરો બનાવ્યો છે."
બીજા દિવસે નીલાંગીબેને ખાંડવી બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. નીલાંગીબેને સરસ મજાની ખાંડવી પણ બનાવી અને એનો વિડિયો અપલોડ કર્યો. આમ એક અઠવાડિયું જેમ ચાલ્યું,પણ આમ કરતા નીલાંગીબેન થાકી જતા.છોકરા વહુ આવે એ પહેલા બધું સાફ કરીને મુકી દેવાનું હતું .એક દિવસ તો એમની તબીયત પણ બગડી હતી. રસોઈ કરનારા બેનને પણ થોડી અસુરક્ષિતતા વર્તાવા લાગી.
" મમ્મી તમને આવું કરવાની શું જરૂર છે, ?" શૌર્ય થોડાક સંકોચ સાથે બોલ્યો. ઘરે આવીને બુટ કાઢ્યા સિવાય સીધો જ નીલાંગીબેન પાસે પહોંચી ગયો. કોઈ ઓળખીતાએ શૌર્યને વિડિયો મોકલીને શુભેચ્છા પાઠવી હતી .
"અરે બેટા, તું આવી ગયો…!!,. બેસ તો ખરો , નીલાંગીબેને સોફાની ખાલી સીટ પર હાથ ફેરવતા પ્રેમપૂર્વક કહ્યું.
" મમ્મી તમે ન્યુરોલોજીસ્ટની માં છો , તમારે આવું બધું કરવાની શું જરૂર છે ? મેં તમને કઈ સુવિધા નથી આપી . તમે આરામથી રહો. આટલું કામ ઉભું કરીને તમારી તબીયત કેમ બગાડો છો.તમને ખબર નથી આ બધા સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભદ્ર વાતો પણ લખતા હોય છે હોય છે કોઈ વાર તમને પણ એવો અનુભવ થાય એ મને નહીં ગમે. અને આ કંઈ ઉમર નથી તમારી સોશિયલ મીડિયા ઉપર જવાની " આટલું બોલીને ઊંડો શ્વાસ લઈને શૌર્ય શાંત થયો.
એની પાછળ પાછળ આવેલી આર્યા બધું સાંભળતી હતી.ઘણીવાર કેટી અને લક્ષ્યએ પણ આર્યાને જણાવ્યું હતું કે એના સાસુ સસરા આટલા મોટા ઘરમાં કંટાળી જતા હતા. તેઓ બહુ બહુ તો ઘરની નજીક આંટો મારવા જતા હતાં. અને કેવી રીતે નીલાંગીબેન વિડિયો બનાવતા હતા .શૌયૅ થોડો શાંત થાય એટલી રાહ જોતી આર્યાએ કહ્યું ,
" શૌર્ય, મમ્મી પપ્પા ઘરમાં કંટાળી જાય છે અને આખી દુનિયા હવે ફોનમાં જ પડી છે તો ફોન કાંઈ ખાલી જુવાન લોકોને માટે જ થોડી છે .આમ પણ આ ઉંમરે કોઈ દુરવ્યવહાર કરશે એ ભયથી પોતાને ગમતું છોડી ન દેવાય . અને જો મમ્મીએ વિડિયો ન બનાવ્યા હોત તો તું ઘરે આવીને એમની સાથે આ વાત પણ ન કરત." વહુની સમજદારીથી નીલાંગીબેન ની આંખમાં પાણી આવ્યા, હવે અજયભાઈ પણ
બોલ્યા, "બેટા, આ જગત બહુ બદલાઈ ગયું છે એટલે અમે પણ આ જગતમાં સામેલ થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ." આટલું જ બોલતા આંખની ભીનાશ અને એમના મોઢા પર ઉપસેલા શૂન્યતાના ભાવથી કોઈ અજાણ ન રહયું .
આર્યા અને શૌર્ય આગળ કાંઈ બોલી જ ન શક્યા અને ચૂપચાપ પોતાની રૂમમાં જતા રહ્યા.
એ પછી આગલા દિવસે નીલાંગીબેનને નવું જ કંઈક સુઝયૂં . રોજની જેમ બધા બહાર નીકળી ગયા પછી નીલાંગીબેને ગયા વર્ષે આર્યાએ ભેટમાં આપેલા ટ્રેનિંગ શૂઝ પહેર્યા અને અજયભાઈને પણ તૈયાર થઈને બહાર નીકળવાનું કહ્યું. . હવે સ્પ્રિંગ( વસંત) સીઝન આવવાથી રસ્તા પર બરફ નહોતો દેખાતો.
"ક્યાં જઈએ છીએ એ તો કહે, " અજયભાઈએ જેકેટની ઝીપર બંધ કરતાં કરતાં પૂછ્યું.
" તમે ચાલો તો ખરા પછી જોજો." એમ કહીને નીલાંગીબેને રસ્તા પર સીધે સીધા ચાલવાનું ચાલુ રાખ્યું. જોત જોતામાં બંને જણા નૈસર્ગિક પાર્ક, રિઝર્વેશન , પાસે આવી ગયા.. નીલાંગીબેને ફોનનો કેમેરા ચાલુ કર્યો અને ચાલતા ચાલતા પોતાના શુઝની પ્રશંસા કરી , આજુબાજુના ઊંચા ઊંચા વૃક્ષો , એનાથી ઘેરાયેલું તળાવ, તળાવમાં તરતા પક્ષીઓ, ઉપર વાદળી રંગનો આકાશ એમાં સોનાની જેમ ચમકતો સુરજ આ બધું નિસર્ગ કેમેરામાં રેકોર્ડ કરતા ગયા . ધીરે ધીરે પણ આશરે બે માઈલ જેટલું ચાલીને એમણે એ વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો.એ જ સોશિયલ મીડિયા જે કેટીએ એમને ખોલી આપ્યો હતો.
સાથે શીર્ષક આપ્યું ' વોક વીથ નીલા,'
પહેલા જ દિવસે નીલાંગીબેનને એમના મિત્રો અને ઓળખીતાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો. અજયભાઈએ પણ કેટીને પોતાના માટે કેનવાસ અને રંગો લાવવાનું કહ્યું અને પોતાના આનંદ માટે ચિત્રો બનાવતા બનાવતા વિડિયો રેકોર્ડ કરવા લાગ્યા, વિડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા ઉપર મૂક્યા. નીલાંગીબેનનો આ ક્રમ નિત્ય ચાલુ હતો, . હવે તો વધુ લોકો એમના વિડિયો જોવા લાગ્યા હતા. હવે એ શૌર્યના સર્કલમાં વોકિંગ મોમ તરીકે ઓળખાવા લાગ્યા હતા.. શૌર્યને પણ આ વાતથી ગર્વ થતો હતો એ અને આર્યા પણ મમ્મી પપ્પાના વિડિયો જોઈને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં આથી જાણે પ્રૌઢ દંપત્તિને દીકરા વહુ સાથે જ હોવાનો અનુભવ થતો. આ બંને દંપત્તિની દુનિયા એકબીજાને સ્પર્શી રહી હતી અને સૌથી સારું તો એ થયું કે રોજ ચાલવાથી નીલાંગીબેનના તબિયતમાં ઘણો સુધારો થયો હતો. એમણે એકવાર પોતાના વિડિયોમાં પોતાની તબિયત સુધારવાની વાત પણ કરી હતી જેના પછી એક દિવસ જાણે ચમત્કાર જ થઈ ગયો.
ટ્રેનિંગ શૂઝની કંપનીના એક અધિકારીએ નીલાંગીબેનને એમના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવાની ઓફર આપી. કોઈ વયસ્ક વ્યક્તિ સાથે સીનીયર સીટીઝનસ રીલેટ કરી શકે , એમના અનુભવો મળતાવડા હોઈ શકે, અને એમના શૂઝની બ્રાન્ડની ડિમાન્ડ વધે એ વિચાર કંપનીને બહુ રોમાંચક લાગતો હતો. નીલાંગીબેનની ખુશીનો પાર ન રહ્યો, એમણે વિચાર્યું કે સોશિયલ મીડિયા ફક્ત યુવાન લોકો માટે નથી એ હવે સાબિત થઈ રહ્યું હતું. આ ઉંમરે નહીં તો પછી ક્યારે ? આ જ ઉંમર છે જ્યારે અનુભવ છે પણ જવાબદારીઓ નથી , સમય છે પણ જુવાનોની જેમ કુદકા મારવાનું જોશ નથી . નીલાંગીબેને આ ઓફર સ્વીકારી અને પોતાનો ક્રમ ચાલુ રાખતા વધુ વિડિયો બનાવવા લાગ્યા.નીલાંગીબેને વિચારી રાખ્યું હતું કે ઠંડી શરૂ થતા એ ઘરની અંદર કે મોલમાં ચાલવા જશે. આર્યા પણ ખૂબ જ ગર્વ અનુભવતી હતી. અજયભાઈને પણ ખાસ્સું એવું ફેન ફોલોઈંગ મળ્યું હતું જેનાથી એમનામાં નવીન સ્ફૂર્તિનો ઉદગમ થયો હતો. હવે તેઓ કોઈવાર ભારતના મિત્રોને મજાકમાં કહેતા ,
"દિવસે ન બને તો રાત્રે આવીને મળ ,
અંતર બહુ વધ્યું છે તો ઓનલાઈન આવીને મળ."
રચના : જાગૃતિ દોશી ૨૦૨૪