રાવજીભાનું પરાક્રમ
વલસાડ સ્ટેશનથી થોકેક દુર આવેલા તિથલ રોડ પર એક નવો બંગલો બંધાયો હતો.આ બંગલામાં રાવજીભા એમના પત્ની મેનકાબહેન અને એમના ત્રણ નોકરો સાથે રહે . ત્રણ નોકરો એટલે પૈસેટકે સધ્ધર જ હોય એમ માનવાનું હોય. રાવજીભા મૂળ મોરબીના વેપારી પરિવારના ત્રીજા અને સૌથી નાના વારસ. રાવજીભાના પિસ્તાળીસ વરસ લીલા લહેરમાં ગુજર્યા તેથી શરીર જરાક…. , જરાક વધારે , થોડું વધારે વધી ગયું હતું . સોનાચાંદીનો કૌટુંબિક વ્યાપાર હતો , જે બે મોટા ભાઈઓ સાચવતા હતા . બાળપણથી જ થોડા હલકા ફૂલકા , અને દિલખુશ મિજાજના રાવજીભાને બહું લાડમાં રાખેલા એટલે અમને માથે દુકાને બેસવા સિવાય બહું કામ આવતું નથી . ભણવામા પણ એટલે જ એ લીલા લહેરમાં જ રહ્યા અને શાળા માંડ પુરી કરી . મેનકાબહેનને ઘરકામમાં નિપુણ બનાવ્વા માટે એમના વાલીઓએ દસમા પછી અભ્યાસ બંધ કરાવ્યો હતો. મેનકાબેન દેખાવમાં એકદમ કોઈ અભિનેત્રી જેવા લાગતા , ખાતે પીતે સુખી જ હતા પરંતુ મનમાં ને મનમાં દુઃખી થયા કરતા. આ દંપતીની એકની એક દીકરી પરણીને સાસરે ગઈ હતી. હવે ઘરમાં રાવજીભાઈ, મેનકાબેન અને ત્રણ નોકરો રહેતા હતા જેમાંથી એક રઘુ આખો દિવસ શેઠની સાથે જ રહેતો.
સવારના ચા-પાણી પીને અને અને ખોડિયાર માની પૂજા કરીને રાવજીભા દુકાને જવા તૈયાર થયા. સરસ મજાનો સુતરાવનો વાદળી કલરનો ઝભ્ભો અને કાંજી કરેલો કડક સફેદ પાયજનામો પહેરીને, કપાળે તિલક કરીને, મોજડી પેરતા પહેરતા રાવજીભાએ સાદ આપ્યો, “ અલી ….સાંભળસ, પેલા નવા તડકાના ચશ્મા ક્યાં છે?”
મેનકાબેને છણકો કરીને કહ્યું “ મને શું ખબર ? આ તમારી વસ્તુ તમે સાચવીને રાખતા કેમ નથી? આ ઘરના કામ મને ઓછા છે કે હવે વસ્તુઓનો ભંડાર લઈને બેસુ?” રાવજીભા એટલું સમજ્યા કે શેઠાણી અત્યારે ગુસ્સામાં લાગે છે.
રાવજીભાને બધા શેઠ કહેતા એટલે એ પણ મેનકાબેન ને વહાલથી શેઠાણી કહેતા , એમના ફોનમાં પણ એમણે મેનકાબેનનું નામ શેઢાણી કરીને જ મૂક્યું હતું. ભણતરમાં ચરી ખાધેલું એટલે મૂળ કાઠિયાવાડી હોવા છતાં શેઠનું ગુજરાતી નબળું હતું અને શેઠાણી પણ એમની હારે હારે જ હતા.
રાવજીભાએ થોડું મલકાતા મલકાતા પૂછ્યું, “ તમનેશું થયું છે કે આજે સવાર સવારમાં વિપક્ષની જેમ ટોણા મારો છો? “
શેઠાણી વધારે ખીજાણા, “ તમને શું ? …. તમ તમારે બેસી રહો ગલ્લે અને ચા નાસ્તો કર્યા કરો , ઈ જ કરે રાખ્યું છે આજ સુધી . તમારા પોતાના બાવડે કાંઈ કરવાનું જોર નથી. તમારે નાના મોટા ખર્ચા માટે પણ મોટાભાની પાહે હાથ લંબાવો પડે છે . આ આજની પેઢીના જુવાનિયાઓ ય પોતે ધંધા ખોલે છે. તમને તમારા ભાઈઓ સિવાય ચાલતા આવડતું જ નથી. આ પાડોશમાં બધી શેઠાણીઓનો પોતાનો ધંધો છે હું એક જ આ નોકરીયાતની બાયડી છું.”
રાવજીભા જાણતા હતા કે શેઠાણીને સહિયારો ધંધો ગમતો ન હતો પણ એમને મન એમાં કોઈ ખરાબી ન હતી. આ ઉંમરે બીજું કાંઈ કરવાનું સાહસ ન હતું , કોઈપણ ઉંમરે ન હતું . શેઠાણીની દેખાદેખી કરવાની ટેવ થી રાવજીભા ગુસ્સે થઈ ગયા. બદલામાં મેનકાબેન બે ઘણું ગુસ્સે થઈ ગયા અને રાવજીભા એમના નોકર રઘુના શોધેલા ચશ્મા લઈને ઘરની બહાર નીકળી ગયા.
હજી તો ગાડીમાં જ હતા ને મેનકાબેન નો મેસેજ આવ્યો. રાવજીભાએ થોડી શંકાથી ફોનમાં જોયું . મેનકાબેનનું નામ એમણે શેઠાણી ને બદલે શેઢાણી લખ્યું હતું. રાવજીભાએ મેસેજ વાંચ્યો, વાંચીને થોડા મુંજાણા.ગાડીને દુકાને ન લઈ જતા સીધી કુંભાર બજાર લઈ જવા નો આદેશ આપ્યો. ડ્રાઇવર અને રઘુ બંનેની નજરો રમતમાં લખોટીઓ અથડાય એમ અથડાઈ , બંનેએ એકસાથે શેઠ સામે જોયું. રાવજીભા કોઈ ઊંડા વિચારમાં લાગતા હતા. રઘુએ શેઠને કોઈ દિવસ આટલા ઊંડા તણાતા જોયા નહોતા એ તો છીછરામાં જ તરતા રહેતા. આખરે રઘુથી નહીં રહેવાયું અને એણે શેઠને ડૂબવા નહીં દેવાના વિચારથી પ્રશ્ન પૂછ્યો,
“ શેઠ, કુંભાર પાસે માટલા ખરીદવા છે ? શેઠાણી તો કાંઈ બોલ્યા નથ ! “
રાવજીભા ગુસ્સાથી એટલા ધૂંઆપૂંઆ થઈ ગયા હતા કે કાંઈ જવાબ ન આપી શક્યા ફક્ત ખીસામાંથી રૂમાલ કાઢીને મોઢા પરનો પરસેવો લુછવા લાગ્યા.
હમણાં જ થોડી વાર પહેલા ગાડીમાં બેઠેલા રાવજીભાએ મેનકાબેનનો મેસેજ વાંચ્યો હતો, જેમાં લખ્યું હતું કે “તમે બધી જ વાતમાં ડરો છો કોઈક વાર તો હિંમત બતાવો. જે થશે એ જોયુ જશે.” “આજે સાંજે બૈંક ચોરી લાવજો.”
રાવજીભાએ પહેલા તો હસવામાં લઈ લીધું અને પોતાના નવા તડકાના ચશ્મામાંથી રસ્તાની ગાડીઓ અને સિગ્નલની બત્તીને જોવા લાગ્યા. અચાનક બત્તી લાલ થઈ અને એના ચટકા રાવજીભાની આંખોમાં લાગ્યા, મનમાં પણ એક ફાળ પડી.
મેસેજનો વિચાર કર્યો અને જાણી ગયા કે આ તો શેઠાણીએ એમને લલકાર્યા છે. રાવજીભાને થયું શેઠાણી ધારે છે કે એમનામાં કાંઈ પાણી નથી પૈસા ઉભા કરવાનું , આ એમના સ્વાભિમાન પર ઘા હતો. જો આ ટાણે બતાવી દઉં તો શેઠાણીનું પણ ટકટક કરવાનું બંધ થઈ જાય અને આખરે તો આ એક સોનેરી તક હતી રાવજીભાને પોતે પણ કાંઈ પરાક્રમ કરવાની અને આવી રીતે શેઠાણીના મનમાં પણ એમનું માન વધશે.
રસ્તામાં જતા એક ચપ્પુની દુકાન આવી રાવજીભા એ વિચાર્યું કે એ મોઢા પર રૂમાલ બાંધી,ચપ્પુ લઈને બેંકની બારીમાં કામ કરતી મહિલા સામે જઈને એક લાખ રોકડાની માંગણી કરશે. પરંતુ તરત જ વિચાર આવ્યો કે ચપ્પુ પર હાથ ની છાપ રહી જશે તો ? આજે નહીં તો કાલે પકડાઈ જશે અને ઉપરથી શેઠાણી ની નજરમાં પડી જશે. રાવજીભાએ ચપ્પુ નો વિચાર, સુવાનો મુખવાસ ચાવતા ચાવતા કાપી નાખ્યો. ઓ …રે … આ તો જીભ પણ ચવાઈ ગઈ.
બીજો વિચાર એ કર્યો કે બૈંકમાં બોમ છે એવી અફવા ફેલાવીને રોકડા લઈને નાસી જવું પણ પછી નિરાશ થઈ ગયા કે આ ઉંમરે આ શરીર સાથે બહુ દૂર તો દોડાય નહી . આ બીજા વિચારને પણ પડતો મૂક્યો. અહીં શેઠ તણાઈ રહ્યા હતા અને રઘુ એના ફોનમાં રમત રમી રહ્યો હતો. આખરે બે સિગ્નલ પછી લીલી બત્તી થઈ અને રાવજીભાની અંદરનો મૂળ વતન મોરબીનો કાઠિયાવાડી જાગ્રત થઈ ગયો.
.. રસ્તામાં એક કુંભારના આંગણમાં ઢોરોનો ઝુંડ જોઈને ગાડી થોભાવી. નીચે ઉતરીને કુંભાર પાસે જઈને એને કહ્યું
“ એ ભાઈ, એકદમ જ ગાંડો બળદ ક્યાં મળશે ?”
કુંભારે પૂછ્યું, “ તમને બળદ કેમ જોઈએ અને એ પણ પાસો ગાંડો ?”
રઘુ પણ હવે ઊંડી ઉત્સુકતામાં તણાતો હતો.
“ હા …હો ભાઈ , મારે તો એકદમ છટકેલા મગજનો બળદિયો જોઈએ છે.”
શેઠ અમસ્તા જ ખુશ થતા થતા બોલ્યા .
કુંભારે ખૂણામાં બાંધેલા બળદ ની સામે આંગળી ચિંધતા કહ્યું , “ આ હામેં હેને એ એકદમ ગાંડો મલે. તમારે કૈમ જોઈએ સે.”
“ એ તો હું પણ વિચારું છું!!” રઘુએ હવે તણાતા તણાતા હાથથી સપાટી પર ફાફા મારતો હોય એમ કહ્યું.
રાવજીભા કહે, “આતો શાંત લાગે છે , મને તો અસલનો ફાટેલો જોઈએ છે.”
કુંભારે કહ્યું, “ આને કાને અડતા નહીં , અડશો તો એ અસલનો બળદિયો , પછી એ કોઈનો નહીં.”
આ સાંભળીને શેઠ ખુશ થયા અને કુંભારને કહ્યું કે બાર વાગે બળદની સાથે એમની દુકાન પર આવી જાય અને દુકાનનું સરનામું પણ આપ્યું .
રાવજીભા અને રઘુ હવે પાછા ગાડીમાં બેસીને દુકાને પહોંચ્યા. આજે કાંઈ ખાસ દિવસ તો નહોતો પણ હવે પછી આ દિવસ રાવજીભાના શૌર્યની યાદગીરી બની જવાનો હતો. રઘુને તો પેટમાં સખત આંટી આવી અને રહેવાયું નહી. એણે શેઠને પૂછી જ લીધું કે બળદ કેમ મંગાવ્યો છે અને એ પણ ગાંડો ?
હવે રાવજીભાએ વાત શરું કરી કે કેવીરીતે આ એમની પ્રતિષ્ઠાનો સવાલ છે , શેઠાણીએ જે પડકાર આપ્યો છે એ ઝિલ્વો અને કરી બતાવ્વું. “ આમ તે કાંઈ બૈંક લુંટાય , આપણા જ ધંધાના રુપિયા છે ત્યાં , તમને જોતા હોય તો મોટાભા હારે માંગી લો , અને સજા થશે એ જુદું.” શેઠ અકળાયા રઘુને માથે ટપલી મારતા બોલ્યા , “ તે તું તો રઘલો તે રઘલો જ રહેવાનો. અરે …. જરા મોરબીના વાણિયાની જેમ વિચાર કર , આપણે બળથી નહી કળથી બૈંક લુટવાના છીએ.”
“ એટલે” રઘુએ પુછયુ ફાટેલી આંખો અને ગળાસુધી પસરેલા જડબા સાથે.
“ યુક્તિ રઘલા ….. યુક્તિ. પૈસા બેંકમાથી લેવાના નથી , પણ પૈસા બેંકમા ભરવાના જ નથી .”
રઘુ કાંઈ સમજ્યો નહી અને દરવાજે આવી ચડેલા બળદ અને કુંભારને જોવા ગયો.
રાવજીભાએ હાથમાં પૈસાની બેગ લીધી અને નિયમ પ્રમાણે સામેની બાજુ પર આવેલી બેંકમા દાખલ થયા. પોતાને ઉતાવળ છે એમ કહીને સીધા મેનેજર પાસે જ જવાની માંગણી કરી. બેંકના લોકો રાવજીભા અને એમના પરીવારને ઓળખતા હતા એટલે એમને તરત મેનેજર પાસે જવા દીધા. પોતે બહુ જ વ્યસ્ત હોય એમ જલદી જલદી ગમે તેમ જમા પરચી ભરવા લાગ્યા . મેનેજરને પૈસાની બેગ ગણવા આપી, ઠીક એ જ સમયે કુંભારે બેંકના દરવાજે ઊભા બળદના કાન ખેંચ્યા . પછી તો શું બળદ ગાંડો થઈને બેંકની અંદર દોડવા લાગ્યો. લોકો ભયભીત થઈને ચીસાચીસ કરતા બધી બાજુ દોડ્યા , એ સાંભળી મેનેજર ઓફિસમાથી બહાર આવ્યા . મેનેજરની સાથે રાવજીભા પણ. રઘુને મળેલી સુચના પ્રમાણે એણે પૈસાની બેગ ઉપાડી લીધી અને ભીડની સાથે છુપાતો છુપાતો બહાર નીકળી ગયો.
ઇશારો મળ્યા પછી કુંભારે બળદને વાર્યો અને માફી માંગતા બેંકની બહાર નીકળી ગયો , બળદિયા સાથે.
બધું જ યોજના મુજબ પતી ગયું રાવજીભા તો ભાવુક થઈ ગયા . એમને પોતે જ શેઠાણી વતે પોતાની પીઠ થપથપવ્વાનું મન થયું. એક અઠવાડિયા માટે પણ , એમનું હદય ગર્વથી ફુલાઈ ગયું . રઘલાને ય બમણું માન થયું શેઠ પરત્યે . શેઠાણીને હજી આ વાતની ગંધ નથી આવી એમને તો ગુસ્સો છે શેઠને કોઈ દિવસ કાંઈ યાદ જ રહેતું નથી. રાવજીભાએ થોડા દિવસ પછી આવતા દિવાળીના તહેવારમાં એમને રુપિયા આપ્વાનું નક્કી કર્યું .
એક અઠવાડિયા પછી બેંકના મોટા સાહેબોએ એક લાખની ખોટની તપાસ કરવાનું ચાલું કર્યું અને પૂછતાછ કરીને જાણ્યું કે રાવજીભાના નોકરના હાથમાં જ રૂપિયાની બેગ હતી. મેનેજરના વર્ણન પ્રમાણે રાવજીભા એકલાજ આવ્યા હતા. પોલીસે કુંભારને પણ શોધી કાઢ્યો અને એની સાક્ષીની મદદથી રાવજીભા પર ચોરીનો કેસ માંડ્યો . ઘર સુધી વાત આવી ગઈ , કોઈને સમજાતું નહોતું કે કરોડોનો વ્યાપાર કરતા આ શેઠને ચોરી અને છેતરપિંડી કરવાની શું જરુર પડી? શેઠાણીએ તો પાંચ કોરા ઉપવાસ કરવાનું વ્રત પણ લીધું.
આખરે મામલો મેજિસ્ટેત્રટ સામે આવ્યો . રાવજીભાના વકીલે કહ્યું “ મારા અસીલ , રાવજીભા ખુબજ પ્રખ્યાત વેપારી છે , તેઓ ખુબ જ સમજદાર છે એ આવું કામ કરે જ નહી .” સરકારી વકીલે રાવજીભાને સવાલોની તોપથી વીંધી નાંખ્યા . એમના તો હાથ પગ ફુલી ગયા, હદય પણ છાતી ફાડીને બહાર કુદીને અપઘાત કરવા મંથતુ હતું. રાવજીભાએ ગુનો સ્વીકાર્યો . હવે એમના વકીલે કહ્યું કે એમના અસીલ માનસિક સમતુલન ખોઈ બેઠાછે એટલે આવું કહે છે. સરકારી વકીલ ભડકયા, “હંમણા તમે કહ્યું કે તમારા અસીલ સમજદાર છે હવે કહો છો ગાંડા છે , આખરે તમે કહેવા શું માંગો છો?”
હવે મેજિસટત્રેટે વચ્ચે પડી રાવજીભાને પૂછ્યું , “ તમે એક વાક્યમાં જણાવશો કે તમે બેંકમા ચોરી કેમ કરી?” રડુંરડું થતા ચહેરે રાવજીભા બોલ્યા “ સાહેબ હું તો જગતના બધા પુરુષોની જેમ પત્નીની આજ્ઞાનું પાલન કરતો હતો અને એની નજરમાં માન પામવા માટે અમે આ સાહસ કર્યું છે. “ હવે હદયનો ભાર જરા ઓછો થયો. શેઠાણી પણ કચેરીમાં બેઠા હતા એ કશું સમજ્યા નહી પણ રાવજીભા ને પ્રેમ અને નિષ્ઠાથી જોવા લાગ્યા. મેજિરટત્રેટે પુરાવો માંગ્યો એટલે શેઠે ફોનનો મેસેજ બતાવ્યો . મેજિસ્ટત્રેટે ફોન હાથમાં લીધો તેમણે પોતે પણ ગુજરાતીમાં બી. એ. કર્યું હતું એટલે પહેલા તો ‘શેઢાણી’ વાંચીને મોઢું ખાટું થઈ ગયું . પછી મેસેજ વાંચીને એમને પરીસિથતીનો ખ્યાલ આવી ગયો.
મેજીસ્ટત્રેટે ચુકાદો આપ્યો કે દેખીતી રીતે પૈસાની હેરફેર થઈ નથી અને બેંકે પણ શેઠના ખાતામા પૈસા ભર્યા નથી કે શેઠે વાપર્યા નથી તેથી કેસ રદ કરવામાં આવેલ છે. આ સાંભળીને શેઠ, શેઠાણી અને રઘુના આનંદનો પાર ન રહ્યો . કચેરીમાંથી બહાર નીકળતા શેઠાણીએ રાવજીભાના ફોનમાં જોયું તો ……………
હવે શેઠાણી સમજ્યા કે રાવજીભાને કચોરી લાવ્વાનું યાદ કેમ ન રહ્યું .
રચના : જાગૃતિ દોશી ૨૦૨૪
ગા્ફિક કે્ડીટસ : કિ્એટર જાગૃતિ with the help of મેસેજીસ , સમારટ ફોન , ગુગલ