Horizontal ad

સોમવાર, 20 જાન્યુઆરી, 2025

વંશવેલો


                             વંશવેલો                                                                                                           

“ મેં તુમ્હેં ભૂલ જાઉં યે  હો નહી  સકતા ઓર તુમ મુજે ભૂલ  જાઓ યે મેં હોને નહીં દૂંગા . ” જ્યારે વંશવેલો શીર્ષક સાંભળ્યું ત્યારે આ ફિલ્મી ડાયલોગ યાદ આવ્યો .  તમે વિચાર કરતા હશો કે આ ડાયલોગને  વંશવેલા સાથે શું લાગે વળગે?  તો આગળ આ  લેખમાં મારી વિચારધારા પ્રસ્તુત કરું છું. 


        આ પૃથ્વી પર જન્મેલા બધા જ  જીવોનો એક નિશ્ચિત આયુષ્યકાળ છે. આ સમયમાં મનુષ્યથી જેટલું બને તેટલું  કાર્ય થાય છે પણ આખરે તો આ પૃથ્વીથી  વિદાય જ  લેવાની છે ,  તો શું  મનુષ્યને  અને બીજા જીવોને આમ લુપ્ત થઈ જવાનું સ્વીકાર્ય છે ?   કદાચ ના  , એટલે જ  એમનામાં  પ્રજનન એટલે કે’ procreate’ ની પ્રબળ ભાવના  જન્મે છે.  આપણા શાસ્ત્રો પ્રમાણે  એ ગૃહાવસ્થાનો એક સંસ્કાર  છે.  પુરાતન કાળની પ્રથા પ્રમાણે શાસ્ત્રોમાં માવતર અને સંતાનોના અરસપરસ અધિકારો અને કર્તવ્યો છે. એ યુગ પ્રમાણે , પુત્રોને જીવન પછી કરવામાં આવતા સંસ્કારોની જવાબદારી અપાઈ  છે. આથી પણ ઘણા લોકો સંતાનની ઝંખનાં રાખતા હોય છે. 


       વંશજ માત્ર સંપત્તિ સાચવવા માટેનું પાત્ર  નથી પરંતુ માણસના કેટલાય પાર્થિવ અને  આધ્યાત્મિક લક્ષણો  / સંસ્કારો છાની અને દેખીતી  રીતે પેઢી દરપેઢી સચવાય છે .  આપણા હાડમાંસમાં કેટલાય પિતૃઓના  અનુવાંશિક  ગુણો સમાયેલા છે  જેનું આપણને જ્ઞાન પણ નથી.  ભલે ખુલ્લી રીતે એનું પ્રદર્શન ન થાય પણ આપણામાં ક્યાંક એના સંકેતો રહેલા  છે. ઘણા  ધાર્મિક કાર્યોમાં પણ વંશનાં વડીલોના નામો લેવાય છે. 

     

         થોડા વરસો પહેલાં  મેં બીટ અને ઝુકીનીનો   છોડ ઉગાડવા માટેનો  નિષ્ફળ  પ્રયત્ન કર્યો હતો . બંનેના બીજ સરખા જ દેખાતા હતા. ત્રણ દિવસ પછી મેં જોયું કે રાઈ જેટલા બીટના બીજમાં ગુલાબી રંગનો અંકુર

 ફૂટ્યો હતો . એ નાનો બીજ પણ એના પૂર્વજોના સંસ્કાર છુપાવીને  બેઠો હતો.   આ વાત મારા મનને  સ્પર્શી 

ગઈ .  જેમ કોઈ અત્તર કે પરફ્યુમ સૂંઘો એટલે તરત એ  ફુલની  છબી તમારા  માનસમાં  ઉપસે છે એ જ પ્રમાણે  મનુષ્ય  એના વંશજોથી  જીવિત  રહે છે. 


       હવે તો વિજ્ઞાનની મદદથી પણ જે નૈસર્ગિક રીતે ન મેળવી શકતા હોય એવા  દંપત્તિઓ પણ  સંતાનસુખ મેળવી રહ્યા છે પણ કોઈને સંતાનસુખ ન મળે તો શું  ? વારસો માત્ર  સંપત્તિનો  નથી , પણ આદર્શો  અને સંસ્કારોનો પણ હોય છે.  આજે જગતમાં ઘણા બધા લોકો  એમના  જીવનકાળ દરમિયાન પોતાના આદર્શો (ideology)   પ્રસ્થાપિત કરવામાં  કાર્યરત છે,   જેથી એમના આદર્શોને પણ  વંશ મળી રહે.  જેમાં એમની  પ્રતિભા  જળવાઈ રહે. વંશવેલો જળવાઈ રહે. 




                                                         જાગૃતિ દોશી ( અમેરિકા ) 

       તમને એક વિનંતી છે કે કોમમેન્ટ છોડો , જેથી કેટલાં મિત્રોં વાંચે છે એ ખબર પડે . ધન્યવાદ !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો