એ રાત્રે કરેલી ટ્રેનની મુસાફરી મોક્ષાને હજી યાદ છે.
જીન્સ પેનટ , વાદળી રંગનું ટીશર્ટ અને છુટટા વાળ રાખેલી મોક્ષા , કવિતા સાથે ટ્રેનમાં બારીની સીટમાં બેઠી અને બાજુમાં દિપાલી બેઠી હતી. ત્રણે આજે કોલેજની પિકનીક પછી ચર્ચગેટથી પાછા ઘરે જતાં હતા . રવિવાર હતો એટલે પ્લેટફોઁમ પર ગરદી ઓછી હતી . પોતાના સ્ટેશને ઉતરીને બહુ ચાલવું ન પડે તેથી તેઓ વચલા લેડિસના ડબ્બામાં બેઠા . એમની મસ્તીમાં ટ્રેનના પાટાનો અવાજ પણ ભુંસાઈ ગયો હતો. દિપાલી બીજા જ સ્ટેશન પર ઉતરી ગઈ . આ બાજુમાં એક પ્રૌઢ સ્ત્રીઓનું ગ્રુપ હતું જેમનો વાર્તાલાપ ડબ્બાને જીવિત રાખતો હતો અને બીજા એક બહેન દુર બેઠા હતાં. વાતવાતમાં મહાલક્ષ્મી સ્ટેશન આવ્યું ત્યારે કવિતા પણ ઉતરી ગઈ. એકલી પડેલી મોક્ષાએ ઘડિયાળમાં જોયું તો નવ વાગવાના હતા.હવે પુરુષો પણ આ ડબ્બામાં પ્રવેશી શકે .
લોવર પરેલ સ્ટેશન પર પ્રૌઢ મહિલાઓનું ગુપ ઉતરી ગયું અને ત્રણ પાંત્રીસ જેટલી ઉંમરના માણસો ડબ્બામાં ચઢ્યા. મોક્ષા જે તરફ ટ્રેનમાં બેઠી હતી એની તદન સામે જ દરવાજાની પાસે તેઓ ઉભા હતા . એમાંથી એક ભારે શરીરનો , ડરામણી લાલ આંખોવાળો માણસ એને તાકી રહયો હતો. પહેલાં તો મોક્ષાએ નજર ચુકવી લીધી પણ એ માણસ એની સામે તાકતો જ રહ્યો. હવે મોક્ષા મુંઝાઈ , એનું પાતળું શરીર વધુ સંકોચાઈ ગયું . એના હસતા ગોળ ચહેરા પર ગભરાહટ ફરી વળી અને એની નજર ડબ્બામાં પેલા બીજા બહેનને શોધવા લાગી, પરંતું એ બહેન કદાચ ડબ્બામાંથી ઉતરી ગયાં હતાં. મોક્ષાએ એની સીટ બદલી લીધી અને પીઠ કરીને બેસી બારીની બહાર જોવા લાગી .
ટટધ ….ટટધ....ટટધ …!! ટ્રેનનાં પૈડાંનો પાટા પર ઘસાવાનો અવાજ એને સાંત્વન આપતો હતો . ડબ્બાની એકલતા અને બારીમાંથી ફુંકાતો પવન , એ માણસોના શબ્દો એના કાન સુધી લઈ આવ્યો . " એ મૈં બોલા થા ના ? આજ તેરેકો અચ્છા ચાનસ હે ," એક માણસે કહ્યું . એવામાં બીજાએ કીધું , " રાની તો મેરી હૈ. " આવી વાતો સાંભળીને મોક્ષાના પેટમાં જાણે મોટો ખાડો પડ્યો હોય અને એના શરીરને એ ભરવા માટે ખેંચતો હતો . એને આખાં શરીરે પરસેવો ફરી વળ્યો . જુવાન છોકરીઓ પર થતા અત્યાચારની વાતો એણે સાંભળી હતી. એનાં હાથ પગની નસો ખેંચાતી હતી . એ માત્ર નજર દોડાવીને ટ્રેન રોકવાની સાંકળ શોધી રહી અને બીજા સ્ટેશન પર કોઈ મહિલા આવે એવી પ્રાર્થના કરવાં લાગી. આ ગભરામણમાં એનું પર્સ નીચે પડી ગયું એ લેવા એ ઉભી થઈ અને એનું અનાચાસે માણસો તરફ ધ્યાન ગયું . મોક્ષાએ જોયું કે તેઓ ત્યાં ઉભા ઉભા પત્તા રમતા હતા . હવે સવા નવ વાગ્યા અને દાદર સ્ટેશન આવ્યું , અહીં એ માણસોનું ટોળું ઉતરી ગયું . મોક્ષાને હાશ થઈ.
દાદર પર જ એક ચાલીસેક વરસનો માણસ અને ત્રીસ વરસ જેવી સ્ત્રી ડબ્બામાં ચઢયાં. માણસની દારુ અને સિગરેટની વાસ મોક્ષાની તરફના ડબ્બાને ઘેરી વળી. માણસ દરવાજાની બાજુમાં ઊભો રહી ઠંડા પવનનો આનંદ લઈ રહ્યો હતો . એ સ્ત્રી ડબ્બામાં જોઈ રહી હતી . મોક્ષાની નજર સ્ત્રી સાથે મળી , એના એકદમ ચમકીલા કપડાં અને ભારે લિપસ્ટિક જોઈ મોક્ષાને થોડો સંકોચ થયો .
" કિતના બજા , ઘડી હૈ ના તેરે પાસ? " એ સ્ત્રીએ મોક્ષાને સવાલ પુછયો . " સ..સવા નૌ , " થોડા ધુજતા અવાજમાં મૌક્ષએ જવાબ આપ્યો અને પાછી બારીની બહાર જોવા લાગી.
ટટધ ….ટટધ…. ટટધ….!! પાછો પૈડાંનો અવાજ રાતની શાંતિને ચીરતો. હવે એ સ્ત્રી મોક્ષાની નજીક આવીને ઉભી રહી ,
" તું કાલેજ મેં પઢતી હૈ ? " મોઢામાં તંબાકુનો મસાલો નાખતા એ ગાંડાની જેમ હસવાં લાગી મોક્ષાએ બહાર જોવાનું જ ચાલું રાખયું. મોક્ષાને આવી નજીકતા અકળાવવા લાગી. એ સ્ત્રી વધારે પાસે આવીને શું કરી શકે એની શક્યતાઓ એ ચકાસવા લાગી . એને પોતાના બચાવમાં ચીસ પાડીને કહેવું હતું કે તારું કામ કર છતાં એણે માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો. એ જ સમયે એની સાથેના માણસે સ્ત્રીને બોલાવી અને બાંદ્રા સ્ટેશન પર ઉતરવા માટે બંને દરવાજા પાસે ઉભા રહ્યાં .
મોક્ષા આતુર થઈને ઘડિયાળ જોયાં કરતી જાણે આ ડબ્બામાં કેદ થયેલા સમયને છોડાવવા માંગતી હોય .મોક્ષાના હદયના ધબકારા પણ ઘડિયાળના કાંટાનો પરઘો બોલાવતા હતા. . બાંદ્રા પર બે જુવાન ફેરીવાળા છોકરાઓ ચઢયા. ટ્રેન સ્ટેશનથી ઉપડી અને આમનું તેાફાન ચાલું થયું . મોક્ષાની અને એની પાછળની સીટો પર કુદકા મારવા લાગ્યા, માથા પરના હેન્ડલોને ભટકાવતા જાય , જોરજોરથી ફિલ્મી ગીતો ગાતા જાય. પાછા ટ્રેનનાં અવાજમાં મોક્ષાએ સમયને કાપવાનો પ્રયત્ન કરયો. ટટધ…. ટટધ …ટટધ….!!
અચાનક કોઇના સ્પર્શથી મોક્ષા ઝબકી ગઈ . " આજ ધંધા નહી હુઆ ,ખાનેકો કુછ પૈસે દેદો ના દીદી, " બે માંથી નાનો છોકરો એની સામે ઉભો રહ્યો . મોક્ષા કોઈને ભીખ આપવાની વિરુધ્ધ હતી પરંતુ સમયને સમજીને એણે પર્સ ખભા પરથી નીચે કાઢી ખોલવાનો પ્રયત્ન કર્યો, એટલામાં એ નાનો છોકરો એનું પર્સ લઈને ડબ્બાની બીજી બાજુ દોડયો. મોક્ષા કાંઈ સમજી શકે એની પહેલા એક વૃધ્ધ માણસનો અવાજ આવ્યો, " આજ તો તેરે કો છોડેગા નહી , અભી અગલા સ્ટેશન પર પોલિસ કે પાસ ભેજતા હે, " શબ્દોની સાથે દારુની વાસ પણ હવામાં ફેલાઈ ગઈ . વૃધ્ધ માણસે એ ફેરીવાળાને બોચીએથી પકડયો અને એના હાથમાંથી પર્સ લઈ મોક્ષાને આપ્યું . એ છોકરો પકડમાંથી બહાર નીકળવા ચીસાચીસ કરવા લાગયો. મોક્ષા અસ્વસથ થઈ ફાટેલી આંખે જોઈ રહી. એને થયું આજે આ છોકરાનું કંઈ અજુગતુ થઈ જશે . એને કોઈ કૌભાંડમાં પડવું નહોતું . બીજો છોકરો દરવાજા પાસે હવા ખાતો રહયો અને જેવું સાંતાક્રુઝ સ્ટેશન આવ્યું એ ચાલતી ગાડીએ ઉતરી ગયો . વૃધ્ધ માણસે પકડ છોડી તો નાનો છોકરો પણ ઉતરી ગયો.
સાડા નવ થયા , હવે મોક્ષા ટ્રેનમાંથી ઉતરવા દરવાજા પાસે આવીને ઉભી રહી . પેલો વૃધ્ધ માણસ થોડે દુરથી એની સાથે વાતો કરવા લાગ્યો ," સંડે કો રાતકો ઈસ ડિબ્બેમેં ચઢનેકા નહી, સબ હરામી લોક આતા હૈ . અભી ગાર્ડ કા ઇતના લોગ નહીં હૈ , તો મેં આતા હૈ.” મોક્ષાએ થોડાં ડર અને દયાભાવથી મનોમન એનો આભાર માન્યો . અડધી જ મિનિટમાં વિલેપારલા આવ્યું અને મોક્ષા ટેનમાંથી ઉતરી ગઈ.
એ રાત પછી એણે રવિવારે એકલા વચલાં લેડીસના ડબ્બામાં જવાનું સાહસ કરયું નહીં.