વૈષ્ણવોના ઘરમાં બાલકૃષ્ણની સેવા થાય છે. એને ભગવાન તરીકે નહીં પણ ઘરનાં એક સદસ્યની જેમ જ સચવાય છે . બાળક જન્મવાનું હોય ત્યારે જે ઉજાગરા થાય એવું જાગરણ જન્માષ્ટમી પર કરાય . આખો દિવસ ઉપવાસ કરી સાંજે પારણું તૈયાર કરવાનું. ફૂલોથી એને સજાવવાનું . મધરાત્રે આરતી ભોગ કરીને કૃષ્ણને વધાવવાનો. માત્ર જન્મથી વાત પૂરી નથી થતી હવે તો આ બાળકને પ્રેમથી ઉછેરવાનો . ભગવાન બીજા હોય પણ બાલકૃષ્ણ એટલે ઠાકોરજી , કાનો કે લાલો . એક નટખટ બાળક જે આપણને એની માયામાં મુગ્ધ કરી નાખે . એને લાડ લડાવવા પડે , એને જગાડવાનો , નવડાવવાનો, વસ્ત્ર શણગાર પહેરવવાના , ટોપી , મુકુટ , માળા , મોરપિચ્છ અને વાંસળી હાથે , ભોગ ધરવાનો , અને પોઢાડી પણ દેવાનો . એનું હુલામણું નામ એટલે ઠાકોરજી . ઠાકોરજીનો તો શું રુવાબ , એમના કપડા , શણગાર , અને રમકડાં પણ એની નિયમીત જગ્યા પર રખાય , એમનાં વાસણો પણ જુદાં , સોફા જેવી બેઠક જેની પર મખમલના ગાદી તકિયા અને રજાઇ . સુતી વખતે મંદિર બંધ જોઈએ જેથી ખલેલ ના થાય .
ઠાકોરજીને સવારે ઉઠાડતી વખતે , “ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા “ તો નવડાવતી વખતે
“ જમના જળમાં કેશર ઘોળી સ્નાન કરાવું શામળા “ જેવા ભજનો ગવાય છે . કોઇ દિવસ મૂર્તિને નવડાવો , કે ઉઠાડો એમ નથી કહેવાતું કારણકે એ તો ઘરનો એક બાળક જ છે . એને માટે ખાસ ચણાના કે બીજા લોટોની નાની નાની ગોળી ( નાના લાડવા) બનાવાય છે અને દૂધ અને સાકર તો ભોગમાં હોય જ . ઠાકોરજીને ભોગ ધરતી વખતે“ મારા કાનાને માખણ બહુ ભાવે “ તો સુવડાવતી વખતે “ ગોપાલ મારો પારણિયે જૂલે રે, એવા વ્હાલભર્યા ગીતોથી આજીજી કરાય છે . આ દૈનિક ક્રિયામાં આપણી અંદર એક સંવાદ ચાલતો રહે છે જાણે કાનો બધું સાંભળતો હોય . ઠાકોરજીની પુજા નથી કરાતી , સેવા કરાય છે.
આ રીતે કાના સાથે મોટા થઈએ એ આપણને આપણાં કોઈ ભાઈબંધુ કે મિત્ર જેવો લાગતો હોય છે . બાળપણમાં આપણે ભૂખ સહન કરીને પહેલા ઠાકોરજીને ભોગ આપવા દેતાં . ઘણીવાર એની સેવામાં રોકાયેલી મમ્મીકે દાદીએ આપણને મોડું પણ કરાવ્યું હોય , જાણે નાનાભાઈને પહેલા . એની સાથેના હેતે એને તુંકારે સંબોધવાનો હક પણ આપ્યો હોય છે . નીચે લખેલી કવિતામાં મેં એ છૂટ લીધી છે . જેમ બાળપણમાં ઠાકોરજીની સેવા વખતે મનમા સંવાદો ચાલતા એમ આજની જીવનશૈલી પ્રમાણે હું કાના સાથે આ સંવાદ કરું છું .
ફરિયાદ
ગાડીઓની ટોળી જીપીએસ લઈ બધે ફરે ,
વૃંદાવનમાં હવે ગાયોના ટોળા કયાં રોમિંગ કરે?
જીવન સંતાકુકડી જાણે , હું ફોલોવ કરું તું સંતાય,
દુરથી તારા દર્શને આવું ને તું ઓનલાઇન જાય ,
મેસેજ કરી થાકું તોય રિપ્લાય તું ન કરે
મારે લાઇક કરવાનો તને ભલે તું અણદેખું કરે ,
રોજ દુનિયામાં નવી નવી પોસ્ટ નાખતો જાય ,
મારી મરજીથી એને ડિલીટ પણ ના કરાય ,
ગોવાળોને છોડી તું નેટવર્કને વળગ્યો ,
ધરેલા રિયલ માખણમીસરી પણ ન ગળચ્યો,
મંગળા સમયે કાલે તો તને માંડ ઉઠાડ્યો ,
કાના , આ ફોને તને બહુ બગાડ્યો !!!! —- જાગૃતિ દોશી
——————
બહુ સરસ,જાગૃતિબેન!!!
જવાબ આપોકાઢી નાખોThank you so much .
કાઢી નાખો👍👍
જવાબ આપોકાઢી નાખોThank you so much .
જવાબ આપોકાઢી નાખો