Horizontal ad

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2024

varsaad

                                          વરસાદ



ક્યારેક ગડગડાટ તો ક્યારેક સુસવાટ એટલે વરસાદ,

આકાશને જ્યારે ફુટે હેતનાં ફુવારા એટલે વરસાદ,

તરસતી ધરતીની સંતોષાતી તૃષ્ણા એટલે વરસાદ,

પોતાના જ  રંગોથી ખેલાતી પાંદડાંઓની ધુળેટી એટલે વરસાદ,

બે છબછબીયાં કરતાં બુટ ને નીતરતો રેઈન્કોટએટલે વરસાદ,

કાદવ, કાદવ એ પેન્ટ અને તણાંતા ટ્રેનના પાટા એટલે વરસાદ,

થાકી ગયેલી ટ્રેનોનું વેકેશન અને ગાડીનો જકુઝી એટલે વરસાદ,

મરીનડ્રાઇવ પર મોટરસાઇકલની સવારી એટલે વરસાદ ,

ઉડી જતી છત્રીએ કરેલી છેડછાડ એટલે વરસાદ ,

અરબી સમુદ્રની ઉજાણી એટલે વરસાદ, 

ગરમ ચા અને પ્રેમગીતો વગાડતો રેડિયો એટલે વરસાદ,

ભજિયાં, સમોસાં અને પાઉંવડાની ઘરાકી એટલે વરસાદ,

માખીઓની પંગત અને હવાયેલી દિવાસળી એટલે વરસાદ,

ભીના છાપાં પર  થતી અક્ષરોની જુગલબંદીએટલે વરસાદ ,

ગાડીની હેડલાઇટમાં તનકતારાનો ભાસ એટલે વરસાદ ,

છાપરાંનીચે આંખો મીંચી રાહ જોતી ગાય એટલે વરસાદ ,

પ્રિયતમાનાં હદયમાં ઉછળતી પ્રેમની ઊર્મિઓ એટલે વરસાદ,

એને જોઈ ગાંડો થતો પ્રીતમના હદયનો ધબકાર એટલે વરસાદ.         

————————

    કવિતા : @  જાગૃતિ દોશી ૨૦૨૪ 







ગુરુવાર, 22 ઑગસ્ટ, 2024

ફરિયાદ - Fariyaad

   વૈષ્ણવોના ઘરમાં બાલકૃષ્ણની સેવા થાય છે. એને ભગવાન તરીકે નહીં પણ ઘરનાં એક સદસ્યની જેમ જ સચવાય છે . બાળક જન્મવાનું હોય ત્યારે જે ઉજાગરા થાય એવું જાગરણ જન્માષ્ટમી પર કરાય . આખો દિવસ ઉપવાસ કરી સાંજે પારણું તૈયાર કરવાનું. ફૂલોથી એને સજાવવાનું . મધરાત્રે આરતી ભોગ  કરીને કૃષ્ણને વધાવવાનો.  માત્ર જન્મથી વાત પૂરી નથી થતી હવે તો આ બાળકને પ્રેમથી ઉછેરવાનો . ભગવાન બીજા હોય પણ બાલકૃષ્ણ એટલે ઠાકોરજી , કાનો કે લાલો . એક નટખટ બાળક જે આપણને એની માયામાં મુગ્ધ કરી નાખે . એને લાડ લડાવવા પડે , એને જગાડવાનો , નવડાવવાનો, વસ્ત્ર શણગાર પહેરવવાના , ટોપી , મુકુટ , માળા , મોરપિચ્છ અને વાંસળી હાથે ,  ભોગ ધરવાનો , અને પોઢાડી પણ દેવાનો . એનું હુલામણું નામ એટલે ઠાકોરજી . ઠાકોરજીનો તો શું રુવાબ , એમના કપડા , શણગાર , અને રમકડાં પણ એની નિયમીત જગ્યા પર રખાય , એમનાં વાસણો પણ જુદાં , સોફા જેવી બેઠક જેની પર મખમલના ગાદી તકિયા અને રજાઇ . સુતી વખતે મંદિર બંધ જોઈએ જેથી ખલેલ ના થાય . 

 ઠાકોરજીને સવારે ઉઠાડતી વખતે , “ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા “ તો નવડાવતી વખતે 

“ જમના જળમાં કેશર ઘોળી સ્નાન કરાવું શામળા “ જેવા ભજનો ગવાય છે . કોઇ દિવસ મૂર્તિને નવડાવો , કે ઉઠાડો એમ નથી કહેવાતું કારણકે એ તો ઘરનો એક બાળક જ છે . એને માટે ખાસ ચણાના કે બીજા લોટોની નાની નાની ગોળી ( નાના લાડવા) બનાવાય છે અને દૂધ અને સાકર તો  ભોગમાં હોય જ . ઠાકોરજીને ભોગ ધરતી વખતે“ મારા કાનાને માખણ બહુ ભાવે “ તો સુવડાવતી વખતે “ ગોપાલ મારો પારણિયે જૂલે રે,  એવા વ્હાલભર્યા ગીતોથી આજીજી કરાય છે . આ દૈનિક ક્રિયામાં આપણી અંદર એક સંવાદ ચાલતો રહે છે જાણે કાનો બધું સાંભળતો હોય . ઠાકોરજીની પુજા નથી કરાતી , સેવા કરાય છે. 

 આ રીતે કાના સાથે મોટા થઈએ એ આપણને આપણાં કોઈ ભાઈબંધુ કે મિત્ર જેવો લાગતો હોય છે . બાળપણમાં આપણે ભૂખ સહન કરીને પહેલા ઠાકોરજીને ભોગ આપવા દેતાં . ઘણીવાર એની સેવામાં રોકાયેલી મમ્મીકે દાદીએ આપણને મોડું પણ કરાવ્યું હોય , જાણે નાનાભાઈને પહેલા .  એની સાથેના હેતે એને તુંકારે સંબોધવાનો હક પણ આપ્યો હોય છે . નીચે લખેલી કવિતામાં મેં એ છૂટ લીધી છે .  જેમ બાળપણમાં ઠાકોરજીની સેવા વખતે મનમા સંવાદો ચાલતા એમ આજની જીવનશૈલી પ્રમાણે હું કાના સાથે આ સંવાદ કરું છું . 

                                    ફરિયાદ 

                ગાડીઓની  ટોળી જીપીએસ લઈ  બધે  ફરે , 

               વૃંદાવનમાં હવે ગાયોના ટોળા કયાં રોમિંગ કરે? 


                 જીવન સંતાકુકડી જાણે , હું ફોલોવ કરું તું  સંતાય, 

                 દુરથી તારા દર્શને આવું ને તું ઓનલાઇન જાય , 


                 મેસેજ કરી થાકું તોય રિપ્લાય તું ન કરે 

                 મારે લાઇક કરવાનો તને  ભલે તું અણદેખું  કરે , 


                 રોજ  દુનિયામાં નવી નવી પોસ્ટ નાખતો જાય , 

                 મારી મરજીથી એને ડિલીટ પણ ના કરાય , 


                  ગોવાળોને છોડી તું નેટવર્કને વળગ્યો , 

                  ધરેલા રિયલ માખણમીસરી પણ ન ગળચ્યો, 


                    મંગળા સમયે કાલે તો તને માંડ ઉઠાડ્યો , 

                    કાના , આ ફોને તને બહુ બગાડ્યો !!!!      —- જાગૃતિ દોશી                           

                               —————— 


મંગળવાર, 13 ઑગસ્ટ, 2024

સૈનિક -sainik

 મારી આ કવિતા ઈન્ડિયન આર્મીને સમર્પિત છે . We are proud of you , Indian Army !!!


લાલ , લાલ ધરતી અને આકાશ આખું લાલ થાય , 

હવા પણ તારાં ધાવ પર મીઠાની જેમ ફુંકાય , 

માણસ હોય કે જનાવર , નજર ન ચુકે સહેજે , 

હે સૈનિક ! તું હાવજ થઈને ત્યાં  ઉભો રહેજે . 

 તું તો જન્મ્યો જ લઈને ભિન્ન વૃતિ ,

સેવાભાવ જન્ની માટે એ જ તારી પ્રકૃતિ ,

મા વિલાપે તોય ,પિતાનું ગૌરવ તું જાળવજે,

હૈ સૈનિક ! તું હાવજ થઈને ત્યાં  ઉભો રહેજે. 

આંય મિત્રો પડયા છે સુખસુવિધાઓમાં, 

કોઈ વિદેશ ગયા તો કોઈ ચમક્યા ધંધામાં,

એમની જાહોજલાલી તું ફોન થકી જોતો રહેજે, 

હે સૈનિક ! તું હાવજ થઈને ત્યાં  ઉભો રહેજે. 

નિસ્બત નથી તારા અંગો કે નામ સાથે , 

કદાચ ન મળે તને ચંદ્રક પણ મંત્રીના હાથે,

છતાં મનને પ્રબળ કરી, નિર્બળનો પહેરેદાર તું બનજે,

હૈ સૈનિક ! તું હાવજ થઈને ત્યાં  ઉભો રહેજે.   

જયહિંદ!!! 

                         રચના : જાગૃતિ દોશી ૨૦૨૪




રવિવાર, 4 ઑગસ્ટ, 2024

પંખી- Pankhi

કવિ કલાપીની રચના , “ તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો “ સ્કુલમાં વાંચી હશે . એનાથી પે્રીત થઈને લખેલી મારી  જુની કવિતા, 

                         પંખી.                      


તે પંખીની ઉપર પથરો ફેંકતા,  નહી ફેંકાયો , 

ઘણું કર્યું છતાં હાથ નહીં લંબાયો , 

હૃદય એનું હતું પણ વેદના મારી હતી , પંખી પણ મારું મનભાવતું હતું . 

પંખી , તે મિત્ર તારી મૈત્રીનું છે , 

શંકાનો કઠોર પથરો છે, 

મનનું સમાધાન તો થતાં થાત , 

                                     પણ જીગરજાન મૈત્રીનું પંખી 

                                                            ઉડી જાત  .


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


                       ————————————