Horizontal ad

શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024

કચોરી- Kachori

       દરેક દરિયાને જેમ કિનારો હોય જ એમ આખા ભારતમાં બજાર કે નાની ગલીઓમાં એક તો ફરસાણની દુકાન હોય જ . આ દુકાન જ ખાવાના રસિયાઓનો કિનારો. શિયાળાનું ઊંધીયું , ચોમાસાના ભજિયા કે રવિવારની  સવારના  જલેબી ગાંઠિયાના શોખને પુરી કરતી ફરસાણવાળાની દુકાનો આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે.  વારે તહેવારે, જન્મદિવસ કે જમણવારમાં, પરિણામ જાહેર થવાના દિવસે કે રોજ સાંજની ભૂખ સંતોષવા માટે આપણે ત્યાં દોડી જઈએ છીએ .  કોઈએ નિરીક્ષણ કર્યું હોય કે નહિ,  પણ આવતા જતા એના  કાચના કબાટમાં પર્વતોની જેમ સજાવેલી સમોસાની હારમાળા કે બુંદીના લાડુનો મધપૂડો જેવા  પકવાન જોઈ જોઈને જ આપણે મોટા થયા . મહેમાન આવ્યા હોય તો તરત ફરસાણની દુકાને દોડી જવું , મહેમાનના બહાને ઘરના લોકોને પણ ઉજાણી થાય.  અમુકવાર તો પોતાના જ પરિસરમાં આવેલો  ફરસાણવાળો ચડીયાતો એવી દલીલો પણ થાય. સાવ સાધારણ જેવી લાગતી આ દુકાનોમાં જે વ્યાપારના સિદ્ધાંતો શીખવા  મળે એ શીખવા  તમારે હજારો લાખો રુપિયા ખરચવા પડે. કોઈ નક્કી સંખ્યાના ખરીદદાર નહી છતા રોજ રોજ નવું ઉત્પાદન , વેંચાણ અને વકરો. એક એક દુકાન એક કારખાનું છે અને એમાં કામ કરતા લોકોની ધગશ વખાણવાલાયક છે . હવે પછી તમે ફરસાણવાળાની દુકાનોથી પસાર થાઓ તો અહીં લખેલી કવિતા જરુર યાદ કરજો . 




                                       

                              કચોરી 



સવારે બજારમાંથી જતા, સુગંધ એવી આવી, 

વિચાર કર્યો આજે ઘેર જતાં કચોરી ખાવી, 

ટત્રેનમાં બેસતાં પણ એ જ સુગંધ ધ્યાનમાં ભરાઈ, 

ઑફિસમાં ચા ની સાથે કચોરીની કમી જણાઈ. 


સાંજે ઘેર જતી વખતે પાછી આવી ફરસાણની દુકાન, 

ખમણ, પાતરા, ભજિયા , ગાંઠીઆ જેવા પકવાન,

તટસ્થ શિખર જેવું પડ મેંદાનું , પુરણમાં લાજતી અડદની દાળ,

મીઠોં સ્વાદ વરીઆલીનો , તીખો મરચાંનો લાવે મોંમા લાળ,

ન ગમે ફાફડા, ન ગમે જલેબી , આજે તો માત્ર કચોરી,

ગર્વથી ફુલેલી , સેવ , ચટની, દહીંસાથે , ન ભાવે કોરી.


આ તો કેટલી ભીડ દુકાને !! ભીડને બે બે કોણિયા હાથ ,

લેવાની અધીરાઈ  ને આપવાની ત્વરા , બંનેનો સાથ.

જે ગ્રાહક બોલે ,તે કાકા રટે, રોકડાની હેરફેર થાય,

સાથે ઉભેલો લાલો ય , કેટલા દીધા ગણતો જાય.

દોઢ કલાકમાં કાકાએ કર્યો , આખા દિવસનો વ્યાપાર ,

એક પડીકું મને ય મળ્યું , કહી કહીને બે-ત્રણ વાર.


હાથમાં પડીકું આવતા , માન્યો મનમાં આભાર,

ત્યાં જ  થંભીને ખાવાની ઇચ્છા  થઈ અપાર,

ઘેર જઈને ખોલ્યું તો થયો મોટો વિશ્વવાસઘાત, 

અરે….રે… આ તે કેવો આઘાત !!!


રસાળ સપનાં અને ભીડનાં સંઘર્ષ પછી શું થયું ?,

મન હતું કચોરીનું ને આ બટાટુંવડુ આવી ગયું .

રડામણા મોઢેં હવે પાછા તો કેમ જવાય,

કવિતા લખું , આજે કચોરી તો નહીં અ જ ખવાય.

આજે કચોરી તો નહીં અ જ ખવાય.


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


.






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો