Horizontal ad

રવિવાર, 18 ફેબ્રુઆરી, 2024

સંકલ્પ -Sankalp

            સવારે પાંચ વાગ્યાની અલારમ વાગી એટલે સંકલ્પનો હાથ એ બંધ કરવા લંબાયો,  હજી એને ઉઠવાનું મન થતું ન હતું કાલે રાતના સૂતા સૂતા પણ લગભગ ૧૧ વાગી ગયા હતા અને આટલા જલ્દી પાંચ પણ વાગી ગયા. હવે ૫:૧૦ થઈ ગઈ , મોડું થશે એમ વિચારતા સંકલ્પ હવે ગાદલા પરથી ઉભો થઈ ગયો. એના અવાજથી મોક્ષા પણ જાગી ગઈ હતી. બાથરૂમમાં તૈયાર થતા થતા સંકલ્પે બારીમાં જોયુ તો બહાર આટલો બધો બરફ પડ્યો હતો.  આજુબાજુના ઘરોના છાપરા, રસ્તા અને એની ગાડી બધું જ બરફથી ઢંકાઈ ગયું હતું. હજી તો સૂરજ ઉગવાને વાર હતી તેથી હમણાં આ બરફ પણ પીગળવાનો નહોતો. સંકલ્પની નજર બારીમાંથી ફરીને અરીસામાં ગોઠવાઈ થોડી ક્ષણો માટે એ પોતાને જ ઓળખી ન શક્યો. જાણે રાતની સવાર થઈ એટલી ત્વરાથી   એનામાં આટલા બધા  બદલાવો આવી ગયા. જ્યારે એણે આસિસ્ટન્ટ તરીકે  આ નોકરી શરૂ કરી હતી ત્યારે  જુવાનીના જોશથી  છલકાતા એના વ્યક્તિત્વને એની આંખોની ચમક  સાથ આપતી હતી. હવે થાકેલી ઊંડી ઉતરેલી આંખો, પાખા થઈ ગયેલા  વાળની ગોઠવણ,   બેકાળજી ને લીધે   સંકોચાઈ ગયેલું  શરીર, સુકાઈ ગયેલી ચામડી અને  કપાળ પરની કરચલીઓ  , આ બધું સંકલ્પને  વીતેલા સમયની અનુભૂતિ કરાવતું હતું. આ ૨૦ વર્ષમાં પોતાની તનતોડ મહેનત અને પારિવારિક જીવનનો ભોગ આપીને સંકલ્પ હવે ચીફ લીગલ ઓફિસર બની ગયો હતો. સમયનો તો પહેલેથી જ પાકો હતો તેથી બધા વિચારો છોડીને એ નોકરીએ જવા તૈયાર થઈ ગયો. બરાબર પોણા છ વાગે  એ દરવાજાની બહાર નીકળી ગયો. આજે રસ્તા પર બરફ છે એટલે એને ડબ્બો લેવાનો પણ ટાઈમ ન રહ્યો. જતા જતા  અડધી ઊંઘમાંથી સંકલ્પની પાછળ આવતી મોક્ષાએ કહ્યું “”ગુડ લક!” 

 “ થેન્કયું .” સંકલ્પે જવાબ આપ્યો.

                   ઘરની બહાર નીકળતા જ સંકલ્પને ઠંડો પવન ઘેરી વળ્યો એ જલ્દીથી  ગાડીમાં રહેલા બ્રશથી ગાડી સાફ કરીને  ગાડીમાં અંદર બેસી ,  એના રોજના રસ્તા પર નીકળી ગયો. ગાડી ચલાવતા ચલાવતા  એને ભૂતકાળ ની વાતો યાદ આવી. કેવા કેવા સમયમાંથી પસાર થઈને આજે સંકલ્પ આ હોદા ઉપર હતો. મોક્ષા આખો દિવસ ઘરમાં કંટાળી જતી બાળકોના જન્મ પછી વ્યસ્ત તો હતી પણ બે નાના બાળકોને આખો દિવસ સંભાળવા સહેલું કામ ન હતું.સંકલ્પ પોતાની મહેનત અને નિષ્ઠાથી પોતાના  ઉપરી ઓને પોતાની ઉપયોગીતા  જણાવી રાખતો.  એની આ  વ્યસ્તતાને લીધે  જ સંકલ્પ અને મોક્ષા કોઈ સામાજિક ગ્રુપમાં પણ ન જોડાય શક્યા કારણકે,  પાંચ છ દિવસ નોકરીમાં થાક્યા પછી અને પાંચ છ દિવસ ઘર અને છોકરાઓને સંભાળ્યા પછી મોક્ષા કે સંકલ્પમાં બહાર જઈ દોડાદોડી કરવાનું  જોર કે ઉત્સાહ ન હતા અને મોક્ષા માટે પણ એક જ દિવસ હતો જ્યારે તે છોકરાઓ થી થોડી છૂટી થઈ શકતી.હવે તો  મોક્ષા,  જશ અને સિદ્ધિ પણ સંકલ્પની ગેરહાજરીથી ટેવાઈ ગયા હતા. 

                     હજી સવાર નો ટ્રાફિક શરૂ થયો નહોતો એટલે સંકલ્પ જલ્દીથી એની  ઓફિસે પહોંચી ગયો.  આજે કંપનીના પ્રેસિડેન્ટે મીટિંગ બોલાવી હતી. છેલ્લા ૭ -૮ મહિનાથી કંપનીના મર્જર ની વાતો ચાલી રહી હતી.આમ તો એની કંપની “  ઓપયુલનસ  ફાઈનાન્સિયલ સર્વિસીસ ”  પહેલા પણ બે  વાર ટેકઓવર થઈ હતી. એની સાથે કામ કરતા ઘણા કર્મચારીઓ પણ બદલાયા હતા. દરેક વખતે નવા એડમિનિસ્ટ્રેશનને  પોતાની નવી પોલિસીઓ અમલમાં લાવવી હતી.સંકલ્પ ગાડીનું ગિયર પાર્કમાં મૂકીને અરીસામાં પોતાનો દેખાવ ઠીક કરવા લાગ્યો. એકદમ કડક સફેદ શર્ટ સાથે ગ્રે રંગના પેન્સ અને ઓરેન્જ અને ગ્રે રંગની ટાયમાં એનો  આત્મવિશ્વાસ અલગ જ રીતે છલકાતો હતો. આમ તો સંકલ્પમાં આત્મવિશ્વાસની કમી ન હતી આખરે તો એ એક ‘વર્ક હોસઁ’ હતો અને કંપનીને એની જરૂર હતી. ગાડીમાંથી બહાર નીકળીને સામે સામે દેખાતા ઊંચા ટાવરમાં  ૧૫, ૧૬ અને ૧૭ મા માળે સંકલ્પની કંપની  ઓફિસો ધરાવતી હતી.  ટાવરની સામેના બે ત્રણ પગથિયા ચડતા  ચડતા સંકલ્પે  જોયુ કે હવે સૂર્યના કુમળા કિરણો બરફને ચમકાવી રહ્યા હતા. અનાયાસે જ એને લિફ્ટની સામે રહેલા બોર્ડ પર નામ વાંચ્યુ  “ ઓપયુલન્સ  ફાઇનાનસીયલ  સર્વિસીસ.” આ નામ જાણે કે સંકલ્પના મન અને શરીર ઉપર એક મહોરની છપાઈ ગયું હતું.. ૧૫ માં માળે લિફ્ટ માંથી બહાર  નીકળી પોતાની કેબિન તરફ જતા રસ્તામાં બે ત્રણ કર્મચારીઓએ સંકલ્પને યાદ કરાવ્યું કે આજે ૧૦:૦૦ વાગ્યે  મીટિંગ  છે.

“ આઈ એમ રેડી, જોઈએ હવે શું થાય છે!”  સંકલ્પે હસીને જવાબ આપ્યો. ઓપયુલન્સ  ફાઇનાન્સીયલ સવિઁસીસ કંપની આમ તો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો સંભાળતી હતી એમાં ટેક્સેશન  ડિપાર્ટમેન્ટ પણ હતો. બીજી વખત જ્યારે કંપનીનું મર્જર થયું ત્યારે સંકલ્પ અને એના બે સહકર્મચારીઓએ રાતદિવસ એક કરી નાખ્યા કંપનીના બધા એકાઉન્ટ નવા સોફ્ટવેર માં ટ્રાન્સફર કરવા  માટે. અમુક એકાઉન્ટ તો સંકલ્પે જાતે બેસીને કરવા પડ્યા પ્રાઇવેસી રાખવાને કારણે. હમણાં ચાર મહિના પહેલા જ ઓડિટ ની  ડેડ લાઈન  ચુકી ના જવાય એટલે ઘણીવાર તો સંકલ્પે ઘરે જઈને પણ એના ઇન્ટરનેશનલ કોન્ટેક સાથે ફોન પર સંપર્ક કરીને કામ પતાવયું . સંકલ્પને એના બોસે આશ્વાસન આપ્યું હતું કે કંપનીના મર્જર પછી એનું ભવિષ્ય સુરક્ષિત હશે.   કદાચ એને કોર્પોરેટમાં મોટી પોઝિશન પણ મળી શકે છે. આ બધા કારણોસર સંકલ્પને કાંઈ ચિંતા ન હોતી કે મર્જર પછી શું થશે. 

      ૧૦:૩૦  વાગે બધા કર્મચારીઓ મીટિંગ  રૂમમાં પહોંચી ગયા મોટી મોટી બારીઓ વાળા આ સફેદ રૂમમાં એક  ખૂણામાં ટેબલ ઉપર કોફી અને સ્નેક્સ રાખ્યા હતા એની તદ્દન સામે મોટા  લંબગોળ ટેબલ સાથે ગોઠવાયેલી ખુરશીમાં કંપનીના પ્રેસિડેન્ટ,  સીઈઓ  અને ડિસટત્રીકટ મેનેજર  બેઠા હતા. . પ્રેસિડેન્ટ , મિસ્ટર પાર્કરને બધાએ  થાળીઓથી વધાવ્યા એમનો આભાર માની પ્રેસિડેન્ટે ઘોષણા કરી કે એમની કંપની  ઓપ્યુલન્સ  ફાઇનાન્સીયલ સર્વિસીસ હવે ગાર્ડીયન ફાઇનાન્સ કંપની સાથે મર્જર કરી રહી છે અને એમણે  આટલા મહિના જે કર્મચારીઓએ મહેનત અને શિષ્ટથી વ્યવહાર સંભાળ્યો એ બદલ બધાનો આભાર માન્યો. વધુ ન કહેતા એમણે દરેક કર્મચારીને પોતાની ઓફિસમાં આવીને પર્સનલી વાત કરવા માટે જણાવ્યું.હવે  થોડો નાસ્તો કરી બધા કર્મચારીઓ છૂટા પડ્યા અને પોતપોતાની કેબિનમાં જવા રવાના થયા. સંકલ્પને આ જ વાતની ઇન્તેઝારી હતી . જ્યારથી મર્જરની વાતો સાંભળી હતી ત્યારથી એના મનમાં અલગ અલગ ચિત્રો રચાય રહ્યા હતા , કદાચ એને આ શાખામાં જ રાખે કદાચ બીજે ટ્રાન્સફર પણ થાય પરંતુ  પરંતુ અહીંથી એ 30 મિનિટમાં ઘરે પહોંચી જતો એટલે પારિવારિક દષિ્ટીએ  આ શાખા જ અનુરૂપ હતી. સંકલ્પે સાંભળ્યું હતું કે કેટલાક કર્મચારીઓ છૂટા થવાના ભયથી પહેલા જ રાજીનામું આપી ચૂક્યા હતા.

           આખરે બે વાગે  પ્રેસિડેન્ટ પાર્કર સાથે વાત કરવાનો  સંકલ્પનો વારો આવ્યો . દરવાજા પર ટકોર કરી એ ઓફિસમાં દાખલ થયો.

“ કમ ઇન” કહીને  હસતા મોઢે  પ્રેસિડેન્ટેં સંકલ્પ ને કેબિનમાં આવકાર્યો.સંકલ્પે લાલ  રંગ ની ખુરશી પાછળ કરી અને  એમાં બેસી ગયો. હવે  પ્રેસિડેન્ટેં  આંખો ઝીણી કરી , થોડા કડક ભાવ રાખીને બોલવાનું શરૂ કર્યું, 

“  સંકલ્પ તમે એક ખૂબ જ મહેનતુ અને અનુભવી કર્મચારી છો અમારી કંપનીને આગળ વધારવામાં તમારૂ મહત્વનું  યોગદાન છે.  એ બદલ અમે તમારા આભારી છીએ,”  આટલું બોલ્યા ત્યાં તો ફોનની ઘંટડી વાગી અને વાર્તાલાપમાં ખલેલ પહોંચ્યો. એક્સક્યુઝ મી કહીને પ્રેસિડેન્ટેં ફોન ઉચક્યો. મહત્વનો હશે એટલે જ એમને લેવો પડ્યો.  સામેની ખુરશીમાં બેઠેલો સંકલ્પ વિચારી રહ્યો હતો કે કદાચ હવે એને મોટા હોદા ઉપર મૂકે અને એની સાથે એને વધારે પગાર પણ મળી શકે. આખરે તો કામ પણ વધવાનું હતું અને જશ અને સિદ્ધિ મોટા થઈ રહ્યા હતા એટલે એમના  ખર્ચા પણ વધી રહ્યા હતા. મોક્ષાની  ફરિયાદ પણ એની જગ્યાએ યોગ્ય જ હતી . એકવાર તો  એ એટલી કંટાળેલી હતી કે બોલી “તું તો માત્ર કપડાં બદલવા જ ઘરે આવે છે .” ત્યારે સંકલ્પે એને સમજાવી હતી કે,

“  હું આટલું કામ કરું છું જેથી તું ઘરમાં રહીને છોકરાઓનું ધ્યાન રાખી શકે.”  વાત તો સાચી હતી પણ એટલી સાદીને સરળ ન હતી મોક્ષા પોતે સમજતી હતી કે આર્થિક દ્રષ્ટિએ સંકલ્પની નોકરી એમનો જીવન નિર્વાહ કરી શકે એમ હતી. મોક્ષાને પોતાને  માનું  વાત્સલય  મળયું ન હતું  એટલે થોડા વર્ષો એણે ઘણી હોશથી છોકરાંઓનું પાલનપોષણ કર્યું, થોડા વર્ષ પછી બેબીસિટિંગના  ખર્ચા  બચાવવા પણ મોક્ષાએ  ઘરે રહેવાનું સ્વીકાર્યું  હતું.

     થેન્ક્યુ કહીને પ્રેસિડેન્ટે જલ્દીથી ફોન પતાવ્યો અને  પાછા સંવાદે વળગ્યા,

 ‘તમારા જેવી મહેનત અને નિષ્ઠાની આજે ઇન્ડસ્ટ્રીમાં ઘણી કમી છે. તમારા જેવા અનુભવી કર્મચારીને તો કોઈ પણ કંપની ખુશી ખુશી  સ્વીકારવા તૈયાર થશે. પરંતુ…..” 

 પરંતુ સાંભળીને તરત જસંકલ્પના મનમાં  ફાળ પડી,  એક ક્ષણ માટે એના હૃદયના ધબકારા પણ થંભી ગયા હતા.

“  પરંતુ  આ મર્જર થતા  ઓપયુલન્સનો ટેક્સેશન ડિપાર્ટમેન્ટ અમે  બીજા દેશની શાખામાં ટ્રાન્સફર કરીએ છીએ અને અહીં ફક્ત ઓડિટનું કામ વધારીએ છીએ.”

“ એટલે,  હું સમજ્યો નહીં?”  સંકલ્પે જે સાંભળ્યું  એ  એનું   મન સાંભળવા કે સમજવા માગતું ન હતું.

“ અમારે તમને  રજા આપવી પડશે”  પ્રેસિડેન્ટ બોલ્યા. એ પણ સંકલ્પની  ફાટેલી  આંખો સાથે આંખો ન  મળાવી શક્યા. 

હવે સંકલ્પના પગમાં ધ્રુજારી જેવું કાંઈ થયું અને એની આંખે પણ અંધારા આવવા લાગ્યા.  એની  અડધી બંધ આંખોમાં એને મોક્ષા જશ અને સિદ્ધિ આ ત્રણેયના ચહેરા દેખાવા લાગ્યા.  હવે એના પરિવારનું શું થશે, એનું શું થશે,  જ્યાં રોજ હજારો  યુવકો અને યુવતીઓ ગ્રેજ્યુએટ થતા હોય છે અને અડધા પગારમાં કામની શરૂઆત કરતા હોય છે ત્યાં એને ૪૫ વર્ષે બીજી નોકરી ક્યાં મળશે ? 

   પ્રેસિડેન્ટેં લાગણીહીન અવાજમાં ચાલુ રાખ્યું“તમે ઘણીવાર કંપનીની   પોલિસીની બહાર જઈને  કામ કરો છો , તમે  બિઝનેસ આવાસઁ પછી  અમારા ક્લાઈન્ટ ને સંપર્ક કર્યો  જે  કાયદા પ્રમાણે  મિસકન્ડક્ટ  ગણાય છે,   તમે આટલા જુના  કર્મચારી છો એટલે અમે આ બાબત  પર એક્શન લેવા માગતા નથી પણ તમારા કોન્ટ્રાક્ટ માં રહેલા સેવરાનસ  બેનીફીટ્સ હવે  રદ ગણાશે.” 

       આ સાંભળીને  સંકલ્પને  પાણીમાં  તણાતી વખતે જેમ શ્વાસ રૂંધાય એવી અનુભૂતિ  થઈ,  એને  સાચેસાચો  ડર પણ લાગ્યો. કાંઈ પણ વધારે બોલ્યા કે સાંભળ્યા વગર  એ પ્રેસિડેન્ટની ઓફિસમાંથી બહાર નીકળી ગયો.. પોતાની  કેબિનમાં  જઈને ખુરશી પર બેસીને એને આખા વાર્તાલાપને  પચાવવાનો પ્રયત્ન કર્યો. ડરની કદાચ બે જાતિઓ હશે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. સ્ત્રીને ડર લાગે તો તે સંવેદનશીલતા અને પુરુષને ડર લાગે તો તે  કાયરતl.

       જ્યારે પહેલી વાર સંકલ્પની કંપનીનું  ટેક ઓવર થયું હતું ત્યારે  એમને પહેલું બાળક જન્મ્યું હતું . કંપનીની ઉથલપાથલમાં  સંકલ્પની નોકરી  સાચવાઈ  રહે  એટલે  એ  મેનેજરનો  બતાવેલું બધું કામ  કરી આપતો હતો એને એના  ઉપરી અધિકારીઓને  નારાજ  ન કરવા હતા એટલે એણે બે અઠવાડિયા પછી રજા પણ ન લંબાવી હતી. 

“  તું બે ત્રણ અઠવાડિયા વધારે ન શકે ?  હજી તો મારું  સિઝેરિયન પણ મટ્યું નથી. આ નાના જશને લઈને મારાથી ઉઠાતું બેસાતું પણ નથી. નવેમ્બર મહિનામાં દિવસ પણ કેટલો નાનો છે અને અંધારું જલ્દી થવાથી મને ઘરમાં ખૂબ જ એકલવાયું લાગે છે. જશને  પેટમાં ચૂંક  આવે છે ત્યારે એ બહુ જ જોર જોરથી રડે છે એ સાંભળીને હું પણ ખૂબ ગભરાઈ જાઓ છો અને રડી પડું છું”   મોક્ષાએ એકદમ રડામણાં અવાજમાં  કહ્યું હતું.

“ મોક્ષા,  હું સમજુ છુ પણ હમણાં કંપનીની હાલત એટલી નાજુક છે કે ત્રણ અઠવાડિયા મળ્યા એ પણ ઘણું છે. ડોક્ટરે જલ્દી જન્મ થવાની આગાહી કરી એમાં બે દિવસ નીકળી ગયા. ઓફિસના થોડા એકાઉન્ટો પ્રાઇવેટ છે એટલે એનું કામ મારે જ બતાવું પડશે અને આમ પણ હવે  નાના જશની સાથે ઘરમાં એકલા રહેવાની  આદત તારે પાડવી  જ પડશે .”  મોક્ષા જાણતી હતી કે એની બધી બહેનપણીઓ બાળકના જન્મ પછી પિયરે જઈ કેટલા લાડમાં રહેતી . નાનું બાળક હોય એટલેએકલા રહેવાનું તો આવે જ નહીં . નાના બાળકને સાચવવાની જવાબદારી પણ એમના માથે ન હોય . અહીં અમેરિકામાં એકલા એકલા મોક્ષાને જશને નવડાવતાં પણ ડર લાગતો. 

       આમ તો કેટલી વાર સંકલ્પ અને મોક્ષાએ  નોકરી માટે પોતાના મનને મારીને ભોગ આપ્યો હતો. ભારતમાં રહેતા સંકલ્પના માતા પિતા પણ ઘણીવાર બોલાવતા પણ ઓફિસનું કામ છોડીને સંકલ્પ જઈ શકતો ન હતો.. આ કોર્પરેટ ની દુનિયામાં કર્મચારીઓ પોતાનું જીવન એકતરફી નિષ્ઠા અને વફાદારીમાં ગિરવી  રાખતા હતા.. જરા આઘાપાછા થાવ  તો ઉપરીઓનું   મન ફેરવાઇ જાય અને બીજો કોઈ તમારી જગ્યl  લેવા તૈયાર જ હોય. આથી જ  સિદ્ધિના જન્મ વખતે પણ  સંકલ્પે  રજા વધારે લંબાવી ન હતી.  મોક્ષાએ ફરી સિઝેરિયન સાથે  બે નાના બાળકોનું   અને પોતાનું અને ઘરનું ધ્યાન રાખવાનું હતું . સંકલ્પે પણ  કુટુંબની   આર્થિક  જરૂરિયાતોનું,  બાળકોનું,  મોક્ષાનો,  માતા પિતાનું,  નોકરીનો  અને પોતાનો ધ્યાન રાખવાનું હતું.  

        કોરપોરેટ કમઁચારી એટલે મદારીનો બંદર એ વાત સંકલ્પને સમજાઈ ગઈ હતી. ક્યારે ખેલ બદલાય, કયારેક મદારી તો કયારેક બંદર જ બદલાઈ જાય . અને કશું વયકિતગત નહીં લેવાનું માત્ર આપવાનું તમારું જીવન, વફાદારી , જુવાની અને નિષ્ઠા .  આજે સવારે જેટલા ઉત્સાહથી  એ ઓફિસ આવ્યો હતો એના કરતાં બમણી ખિન્નતાથી બહાર નીકળીને પોતાની ગાડીમાં બેસી ગયો અને ઘર તરફ પ્રયાણ  કર્યું.  દરવાજા પર  થતી હલચલ  સાંભળીને  મોક્ષા આશ્ચર્યમાં પડી ગઈ.  હજી તો માંડ ચાર  વાગ્યા હતા અને આ સમયે છોકરાઓ સ્કૂલથી પાછા  આવ્વાના ન હતા અને સંકલ્પ નોકરી પર,  તો દરવાજા પર કોઈ  અજાણી વ્યક્તિ હશે એમ માની એ તરત પોતાનો દેખાવ ઠીકઠાક  કરવા  પોતાના રૂમમાં જતી રહી. જ્યારે નીચે આવી ત્યારે સંકલ્પને જોઈને  વિચારમાં પડી ગઈ,

“ આજે આટલો જલ્દી આવી ગયો?” “  મીટિંગ  કેવી ગઈ?”  મોક્ષાએ પૂછ્યું.

“ હા,  તું કહેતી હતી ને કે હું ઘરે નથી હોતો તો હવે હું થોડા દિવસ ઘરે જ છું”  એમ કહીને સંકલ્પે બુટ  કાઢતા સોફા પર  બેસીને  ઊંડો શ્વાસ લીધો અને ધીરે ધીરે આખી વાત કરી. મોક્ષાને માથે  તો આભ તૂટી પડ્યું પણ આ સમય  વિલાપ કરવાનો ન હતો પણ નવા રસ્તા શોધવાનો હતો ,  આ વાત એ સમજતી હતી. સંકલ્પે પણ થોડા દિવસ આરામ કરી બીજી નોકરીની શોધ શરૂ કરી ઘણીવાર મોક્ષા પણ   સંકલ્પને લાયક નોકરી  ફોનમાં શોધ્યા કરતી.  આખરે એક દિવસ સંકલ્પને  નવી કંપની માંથી ઇન્ટરવ્યૂ નો કોલ આવ્યો અને બધુ વ્યવસ્થિત  પાર પડતાં સંકલ્પે નવી શરૂઆત પણ કરી નાખી.  મોક્ષા જાણતી હતી કે સંકલ્પની વફાદારી નું  વળતર   ન મળવા છતાં આદત પ્રમાણે આ નોકરીમાં પણ સંકલ્પ પોતાનું  તનમન લૂંટાવી દેશે. સંકલ્પે હસતા હસતા કહ્યું “  હવે મારી નોકરી  ફક્ત  એક કલાક  જ  દૂર છે  એટલે  મને જતા આવતા  કુલ બે કલાક  થશે.”  મોક્ષાએ કપાળે હાથ માર્યો પણ બંને જણાએ બીજી નોકરી  મળવાથી  રાહતનો શ્વાસ લીધો. 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪



          

2 ટિપ્પણીઓ: