આખી રાત મોક્ષા વિચારતી રહી , હવે આ વિચારને આકાર કઈ રીતે આપવો . કઈ રીતે પોતાના પતિ સંકલ્પ સામે રજૂઆત કરવી જેથી વાતનો અનર્થ ન થાય . આ ઉંમરના પડાવે એ સમય અને મિજાજનો સંબંધ સમજતી હતી. ઊંઘ ન આવવાને કારણે પડખાં ફેરવતી રહી, પાસેના ટેબલ પર પડેલાફોનની લાઇટ અચાનક ઝબૂકી . મોક્ષાનું ધ્યાન ટાઇમાં પર ગયું, સાડા ચાર થઈ ગયા , હંમણા સાડા પાંચે ઉઠવું પડશે ડબ્બા બનાવવા. આજે સંકલ્પ ઘરે નથી એના મિત્રોની સાથે ટી્પ માં ગયો છે. સંકલ્પનું કોલેજનું ગુપ હજી એના સંપર્કમાં છે.બે ત્રણ મિત્રો વકીલ છે અને બીજા બે બિઝનેસમેન.
સાડાં પાંચ વાગવાની અલારમે એકદમ મોટો અવાજ કર્યો જાણે ધરતીકંપથી થરથરતું ઘડિયાળ હંમણાં નીચે પડશે પણ માણસને સમયસર ઉઠાવી દિવસનું ટાઇમટેબલ સાચવી આપે. સંકલ્પને એનો અવાજ બિલકુલ ન ગમતો . આ અલારમ કલોક ફેંકી દેવાનું મન ઘણી વાર થતું , પરંતુ મોક્ષાને માટે આ એના પિયરની યાદગીરી હતી. આ જ કલોકના અલારમથી એ કોલેજની પરીક્ષાના સમયે સવારે ઉઠી ભણવા બેસતી. બાપુજી આમ તો ઉઠેલા રહેતા બાજુની રુમમાં પણ તો પણ જાણે ઊંધ તૂટી હોય એમ કહેતા, “ આતે કાંઈ રીત છે !, સવાર સવારમાં અવાજ બંધ કરો.” અને થોડી સમજુ થોડી અસમજુ મોક્ષા હસીને કહેતી ,“ અલારમની જરુર સવારમાં જ પડે ઉઠવા માટે , બાપુજી.” આ ભૂતકાળનો પ્રસંગ યાદ કરતા કરતા મોક્ષાએ બંને છોકરાઓના ડબ્બા ભર્યા. હવે જશ અને સિધ્ધી તૈયાર થઈ ગયા હતાં સ્કુલે જવા. “ એક ટોસ્ટ તો ખાઓ” મોક્ષાએ કહ્યું , પણ જશે ના પાડી કહીને કે મોડું થઈ ગયું છે . સિધ્ધી એની પાછળ બહું જ વ્યસ્ત ભાવથી બુટ પહેરવા લાગી. હવે બંને લગભગ ઘરની બહાર છે , જતા જતા જશ બોલ્યો ,
“ મમાં તમારા કલોકનું અલારમ બંધ કરો , ફોનમાં લગાવો.”
મોક્ષાએ કહ્યું “ આજે ડેડી ધરે નથી એટલે લગાડ્યું , હવે ધ્યાન રાખીને જજે. ”
સંકલ્પ લગભગ રોજ પહેલાં ઉઠી જતો ફોનનાં અલારમથી અને એ અવાજ અને સંકલ્પના હલનચલનથી મોક્ષા પણ ઉઠી જતી. સંકલ્પ મોટી કંપનીમાં લિગલ ઓફીસર હતો. એના કામને લઈને ઘણો વ્યસ્ત રહેતો. મોડેથી થાકીને ઘરે આવીને એનામા ઉરજા ન હતી મોક્ષાની વાતો સાંભળવાની. સંકલ્પ ઘડિયાલનો પાકકો બંધાણી હતો . માત્ર અડધો જ કલાક પહેલાં ઉઠીને , તૈયાર થઈને , ડબબો લઈને ઘરની બહાર નીકળી જતો .
મોક્ષાનો રોજનો એક જ ક્રમ સવારે ઉઠીને સીધું કિચનમાં જઈ ડબ્બા અને કાંઈ નાસ્તો ટેબલ પર રાખવો. સંકલ્પ પહેલા નીકળી જતો પછી છોકરાઓ. મોક્ષા પછી સાવ ખાલી થઈ જતી , અલારમ વાગી ગયા પછી મૂંગા થઈને ચાલતા રહેતા અલારમ કલોકની માફક. ચા પીએ , એને ખાવું હોય ત્યારે ખાય , નહાવું હોય ત્યારે નહાય . વાળ અડધા ઓળેલા ટાઈટ પોનીમાં બાંધેલા . કોઈક દિવસ કાંઈ પણ ન કરીને ચોપડી વાંચવા બેસી જતી તે કોઈ દિવસ પેંટિગ કરવા. સવારથી સાંજ - રાત સુધી બહાર રહેલા સંકલ્પને ન ગમતું કે મોક્ષાએ રસોઈ સિવાય કાંઈ કામ ન કર્યું હોય.
કોઈ પુછવા વાળું નહી . કોઈ વાત કરવા વાળું પણ નહી. મોક્ષા ફોન પણ કોને કરે એની માત્ર બે કે દોઢ જેટલી પરાણે બનેલી બહેનપણીઓ તો નોકરી પર હોય.એમના છોકરાઓ એક સ્કુલમાં હોવાથી થોડો સંપર્ક હતો. મોક્ષાની આજુબાજુના લોકો સતત કોઈ સ્પર્ધામાં હોય એવું લાગતું , આ મિત્રો એના પહેલાના મિત્રો જેવા ન હતા. પરામાં લગભગ સ્ત્રીઓ નોકરી કરતી હતી અને પોતાના સમોવડા હોદા ધરાવતી સ્ત્રીઓ સાથે જ મૈત્રી કરતી હતી . ટિચરની સાથે ટિચર, કોરપોરેટમા્ કામ કરનારા કોરપોરેટમાં નોકરીવાળા સાથે .
આજે તો સાંજે પીઝા મંગાવવાના છે .સંકલ્પે છોકરાઓને પ્રોમિસ કયુઁ હતું. હવે અલારમ અને મોક્ષાની ઉપણ કાલે સવારે જ વર્તાશે .
થોડી લોન્રડરી કરવાની હતી એની શરુઆત કરી પછી મોક્ષાએ એના ફોનથી કોલેજના મિત્રો ની સાથે વાત કરવાનોનિષફળ પ્રયાસ કર્યો .મોક્ષાની આંખો થોડી છલકી ગઈ . બધાં જ બીઝી છે પોત પોતાના જીવનમાં , કરીઅરમાં , કુટુંબમાં .
બપોર પડી , મોક્ષાએ ટીવી ચાલું કર્યું , સાંજે સંકલ્પ અને છોકરાઓને એમનો શો જોવો હોય છે . હવે આ ઉંમરે એને થોડાંક ઊંડાં ભાવાથઁ વાળા કાયક્મો ગમતા એ છતાં મોક્ષા ડેલી સીરયલો જોયા કરતી એના પાત્રો વતી એ મોટા કુટુંબનો આભાસ અનુભવતી . દુનિયાનાં સમાચારો માટે કે એના ઘરની બહાર લોકો શી રીતે જીવે છે એ જાણવા પણ મોક્ષા ટીવી જોતી . હાલના સમાજનું જ પ્રતિબિંબ ટીવીના પડદે પડે છે એ જાણતી હતી .
“ લોકો કેવી રીતે ટીવી ની સામે બેસતા હોય છે આખો દિવસ , મને તો એ સીરયલો બિલકુલ ના ગમે “ મોક્ષાને વીંધી ગયું હતું એ વાક્ય જે એક પાટીઁમાં એક કરીયર વુમને બહું લહેકાથી કહ્યું અને એણે નિસહાય મોઢેંથી સાંભળ્યું હતું .ઘણીવાર સ્ત્રીઓ જ બીજી સ્ત્રીઓનું સમ્માન નથી કરતી . જાણે કરીઅર ન હોવું એ ગુનો છે, પોતાની બાજુમાં બહુ લોકો ન હોય એ પણ ગુનો છે . મોક્ષા જે ટીવી પર જોતી કે જે દિવસ ભર કરતી એના વિષે કોઈની સાથે વાત પણ ન કરી શકતી. આ કરીયર વુમન એની બહેનપણીઓ સાથે ગલસઁ નાઈટ આઉટ કરવા જાય , લગભગ સ્ત્રીઓ જતી હોય છે , કમાતી સ્ત્રીઓ.
મોક્ષાએ ટીવી બંધ કર્યું અને છોકરાઓને માટે ફોન પર હેલધી રેસીપી શોધવા લાગી.
મોક્ષા પોતે માના વાત્સલય વગર ઉછરી હતી, તેથી તેણે એનો બધો પ્રેમ અને સમય છોકરાઓને ઉછેરવામાં આપ્યો જાણે એને નહી મળેલા સમયનું સાટું વાળતી હોય. હવે તો જશ અને સીધ્ધી પણ પંદર, સોળ વરસના થઈ ગયા છે.હવે એમને કાંઈ ભણાવવાનું નથી મોક્ષાએ , માત્ર રસોઈ અને ડરાઈવીંગ કરી લઈ જવા લાવવામાં એની જરુર પડેએમને. કેટલાક મિત્રો છુટી ગયા કે ન બન્યા એના હાઉસવાઈફ ના સ્ટેટસથી .મોક્ષાને તો પણ બહું અફસોસ નહોતો આટલા વર્ષો એને મન એનું રોજનું ઘરકામ અને છોકરાઓનું પાલનપોષણ મહત્વનું હતું . આ વર્ષ કાંઈક અલગ હતું હવે આ રોજરોજનો ખાલીપો એના મનને વિષાદથી ભરી દેતો હતો.
બપોરે છોકરાઓ ઘરે આવ્યા , આવીને સીધા પોતાની રુમમાં ગયા . મોક્ષાએ પૂછ્યું તો કહે “ અમને બહુ હોમવરક છે” સિધ્ધી વતી બોલી.
“ થોડોક નાસ્તો તો કરો “ મોક્ષાએ કહ્યું . “ પછી” જશ બોલ્યો “ હંમણાં મને બોલાવો નહી .“ એનો અવાજ જરા ગંભીર હતો. “ સારું” કહીને મોક્ષાએ રૂમમાંથી બહાર પગ મુકયો. આજે તો એમને કલાસીસ પણ નથી એટલે આખી સાંજ પોતાની રુમમાં જ રહેશે. મોક્ષા પોતાની જ ઘરની ગલીમાં આંટો મારવા નીકળી ગઈ .
હવે સાંજના સાડા સાત થયા , સંકલ્પ પણ ટીરપ થી આવીને , નહાઈધોઈને કિચનમાં આવ્યો . ત્યારે પીઝા ડીલિવરી પણ આવી ગઈ.
“ આમ આજે અચાનક તને શું સુઝયું ? “ સંકલ્પ બોલ્યો થોડાંક કંટાળેલાં અવાજમાં . “ હજી તો હંમણા જ ધરે આવ્યો ને જરા આરામ તો કરવા દે.” સંકલ્પે પીઝા ખાતા ખાતા કહ્યું . જશ અને સિધ્ધી ખાઈને સુવાની તૈયારી કરવા ગયા.
“ હું આખી રાત સુઈ નથી શકી , કાલે પાછી તને નોકરી હશે અને હું બીઝી હોઈશ સવારે અને સાંજે કિચનમાં “
સંકલ્પે નિરાશાથી માથું હલાવ્યું . મોક્ષાને ઘરના થોડા કામ કરવાનો આટલો ભાર કેમ પડતો હતો એ એને સમજાતું નહોતું , આખરે તો અમેરિકામાં મોક્ષાનું જીવન સુવિધા ભર્યું જ હતું.
“ મારે નોકરી કરવી છે. “
“ કેવી નોકરી ? અને પછી ઘરનું શું ? છોકરાઓનું શું “
“ હવે એમને મારી બહું જરુર નથી , હંમણાં થોડાં વર્ષોમાં છોકરાઓ કોલેજમાં હશે . હું આખો દિવસ ઘરમાં એકલી હોંઉ છું ,તમે બધા બહાર જાઓ છો , મને પણ બહાર નીકળવાનું કારણ જોઈએ કે નહી. “
“ હંમણાં જ રોજબરોજના કામો થતા નથી અને તને બહાર જવું છે “ સંકલપ ચીઢાયો. સંકલ્પના મનમાં બંનેના જુદા જુદા ભાગ હતા જે ભજવવાના હતા . સંકલ્પ કમાનાર અને મોક્ષા ઘર સંભાળનાર .
બહાર જઈ લોકોની સાથે કામ કરવું અઘરું છે પણ ઘરમાં એકલા , કોઈની સાથે મજાક મસ્તી કર્યા વગર , મુંગા રહીને પશુની જેમ, ક્યારેક શંકા તો ક્યારેક ચિંતાના વિચારોના ભમરમાં સપડાઈ ને ઘરકામ કર્યા કરવું પણ અઘરું જ છે એની સંકલ્પને ખબર નહોતી .
“ તારે જે કરવું હોય તે કર પણ મારા હું ક્રમમાં કાંઈ ફરક કરી શકવાનો નથી .”આટલું કહીને સંકલપ પણ બેડરૂમમાં જતો રહ્યો મોક્ષાની તરફ જોયા વગર.
મોક્ષાને હવે રાહત થઈ .
લડી કરીને કે ઘર છોડને પોતાનું કરીયર બનાવવા જેવું સાહસ એનામાં ન હતું પણ હવે એણે વિચાર્યું કે ક્યાંક નાનીમોટી પણ શરુઆત કરવી . ઘરના કામો અને બીજું બધું થોડું વતું સચવાઈ જશે. પોતાને પણ ઘરમાંથી સમયસર નીકળવાનું હશે , કયાંક પહોંચવાનું હશે તૈયાર થઈને એ વિચારથી એ આનંદિત થઈ ગઈ . સૌથી વધારે ઉત્તેજના એને એની થઈ કે પંદર સોળ વરસથી એ પરીવાર માટે ડબ્બો ભરતી હવે એ એક ડબ્બો પોતાનો પણ ભરશે.
આશાવાદી વિચારો સાથે મોક્ષા રાત્રે સુવા ગઈ , બાજુના ટેબલ પર પડેલા અલારમ કલેાકમાં અલારમ લગાવી . અતયાર સુધી એ ઘડિયાળની જેમ ચાલતી રહી પતિ અને છોકરાઓના સમય ચાચવ્વા માટે , હવે મોક્ષાને પોતે પોતાના માટે જાગવાની જરુર પડશે .
રચના : જાગૃતિ દોશી ૨૦૨૪
Heart touching story
જવાબ આપોકાઢી નાખોThank You Jyoti Bhavsar.
કાઢી નાખો