Horizontal ad

શનિવાર, 27 જાન્યુઆરી, 2024

ફોન - કવિતા , Phone-Kavita


હવે બધું  બહું જ અનુભવવાનું , 

હાથમાં ફોન છે , ફોનમાં શબ્દો , 

શબ્દોમાં સંવેદના , ઉછીની વેદના.

આખી દુનિયા ફોનમાં આવે,

 સાથે  સાચા ,ખોટા ,ચિત્ર , વિચિત્ર વિચારો લાવે.

 

  એક ઘડી સેન્સેટિવ થવાનું,

 બીજી  ઘડી  

ફોન કહે " પેલું ફોર્મ ભર".

 ફોન નચાવે એમ નાચવાનું,

 ઉઠાડે પણ એ જ ,

સુવાડે પણ એ જ,

 મિનિટે મિનિટે હસાવે સહેજ.


 હજારો ફોટા ,ફોટામાં સારું દેખાવાનું,

 કોઈ કોમેન્ટ કરે કે ન કર,

 એ સુધા ન સહન થવાનું.

ભાવ બધા છે  કેદ  ફોનમાં,

 હવે નિષ્ભાવ ચહેરાને કોણ જોવાનું.


 ફોન ચમત્કારથી ઓછો નથી,

 સાથ ,સંગાથ ,સલાહ ,સુચન

 હવે કોઈની જરૂર નથી.

 જીવન જીવવાની બધી માહિતી

 અહીં મળશે,

        અરે ,,,,, !!!! ભાવથી કરેલી ભક્તિ પણ ફળશે. 


નામ જબરૂં મારા સ્માર્ટ ફોનનું 

 હેડફોન રહે જેમ હેડ પર.

 એમ આઈસ ની સામે રહે આઈફોન

 એલિયન કેટલા સ્માર્ટ,

 આ સવાલ આવે ફરીને,

 એલિયનની જેમ સ્માર્ટ બનાવે

 એલીયનેટ કરીને.


 પહેલા પોતાના અભિપ્રાય પર

 ક્યાં હતો ભરોસો,

 પોતાનું પરમ મહત્ત્વ સ્થાપતા

 થતા વર્ષો.

 આખી દુનિયા ની પંચાતમાં હવે ગૂંથાયેલો,

 google પર મળ્યો માણસ,

 જે વેબમાં ખોવાયેલો.


 આજ્ઞા કરીતા તો વખાણવા જેવી,

 સૂચના માત્ર એક જ વાર દેવી,

 હપ્તા એ  ભરાવે ,

 રોજ દવા લેવાનું ય યાદ કરાવે,

 કર્મનું બંધન બંને નિભાવે,

 માણસ ચાર્જ કરે  ફોનને

 ફોન માણસને. 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


Courtesy : સ્માર્ટફોન

                           ઈન્ટરનેટ








ઊર્મિલા -Urmila

 એનું નામ ઊર્મિલા હતું . નાજુક બાંધો , ફિક્કો રંગ , સુકાઈ ગયેલું શરીર , સપાટ કપાળ પર આછા વાળ અને પોતાના સંજોગો પર દયા માંગતી ઊંડી આંખો , આવો હતો ઊર્મિલાનો દેખાવ . આ બહારી દેખાવની પાછળ એની અંદર એક સતત સળગતો જ્વાલામુખી હતો જેનાથી પહેલા તો એ પોતે જ બળતી હતી. ઊર્મિલાના બાળપણની બહુ ખબર નથી , માતા ના મૃત્યુ પછી ભાઈબહેનોના ઉછેર અલગ અલગ મોસાળીઆના ઘરે થયાનું સાંભળ્યું હતું. સાસરું પણ એને સાધારણ જ મળ્યું હતું , પતિ સહિયારા કુટુંબમાં  ગામડે ખેતી સંભાળતા. એના દસ બારસંતાનોમાંથી માત્ર બે જ યુવા અવસ્થાએ પહોંચ્યા અને એક જ ગૃહસ્થ અવસ્થાએ .કુટુંબમાં ઊર્મિલાના અભિપ્રાય કે લાગણીઓ કોઈ ગણકારતું નહી .ઊર્મિલાને ગુજરાતી વાંચતા લખતાં આવડતું. પાંસઠ વર્ષે એક પુત્ર , પુત્રવધુ  અને પૌત્રી અને પતિ એમ પાંચ જણાનુ આ કુટુંબ આર્થિક રીતે સતત સંઘર્ષમાં જ રહેતું .  પહેલેથી સાદાઇમાં ઉછેરેલી ઊર્મિલાને કપડાં, ઘરેણા , નાટક , સિનેમા કે બહાર ખાવાનો શોખ પણ ન હતો. પોતાને માટે કોઈદિવસ કોઈ વસ્તુ ખરીદ પણ ન કરી હતી. એક પાંજરું તાળું મારેલું અને એક ચાવી દીધેલું કબાટ એ જ એની પુંજી હતી. બીજી સ્ત્રીઓ સરસ કપડાં અને દાગીના પહેરી જાજરમાન રહે પણ એની જરુરીઆતોમાં બે જોડી ઘરના કપડાં અને ત્રણેક જોડી બહાર જવાના , ગળામાં માત્ર તુલસીની માળા , હાથમાં પ્લાસ્ટિકની બે બંગડી અને ઠાકોરજીની સેવા. 


        ઊર્મિલા ચુસ્ત પુષટીમારગી વૈશ્ળવ પંથી હોવાથી ન્હાયા વગર ન રસોઈ કરે , નાહીને ન ખાટલાને અડે. એઠુંજુઠું , ચાટાબોટા , અડાઅડી બધું પાળે . કામવાળી વાસણ કરી જાય તો પણ ધોઈને વાપરે, બહારનું તો કાંઈ ખાય જ નહી . ઠાકોરજીને પ્રસાદમાં પણ  ચણાના લોટની નાની નાની ગોળી જ બનાવે. પાણીની તો  એને એટલી આપદા કે ઘરના બધા જ વાસણ પાણીથી ભરે. આવી ઊર્મિલાને ગમે તે કારણસર ન તો પતિ સાથે બનતું કે ન પુત્ર અને પુત્રવધુ સાથે ફાવતું. કદાચ નહી ફળેલી અપેક્ષાઓ અને દબાવી દેવાલા અભિપ્રાયો થી એને સ્વભાવ ટોકટોક કરવાનો અને સતત લવારો કરનારો થઈ ગયો હતો. જુવાન લોહીને  એ સહન થતું નહી. 


       કોઈ કહેતું કે ઊર્મિલા પરણીને સંયુક્ત કુટુંબમાં  આવી ત્યારે એના માથે બહુ કામ પડ્યું. પતિનો ગુસસાવાળા સ્વભાવે આગમાં ઘી નાંખવાનું કામ કર્યું હતું . કોઈ કહેતું એનો સ્વભાવ બહુ વિચિત્ર હતો . ગમે તેમ પણ રોજ રોજના મતભેદથી ઊર્મિલાની  ઊરમીઓ  એના કુટુંબ પ્રત્યે શોષાઈ ગઈ હતી  એના લોહી ની જેમ .એનો મોટા ભાગનો સમય ઘરકામ અને પુજાપાઠમાં જ વ્યતીત થતો હતો. સવારમાં તો કામ અને પુજા કરતા કરતા ઠાકોરજીના બધા પાઠ મોંઢે બોલતી જાય. 


        પુત્રવધુ અને પછી  પતિનું અવસાન થતા , ઊર્મિલા પુત્ર અને પૌત્રી સાથે દિવસો પસાર કરતી હતી. એના ઘરડા અશક્ત શરીરમાં બહુ કામ કરવાનું જોર નહોતુ . માત્ર એક વાર થોડી રસોઈ બનાવી શકતી . બે ત્રણ વરસમાં ઊમિલાનું પણ અવસાન થયું અને ….


એનું તાળું મારેલું પાંજરું અને કબાટ ખુલ્યું . 


વર્ષો પસાર થયા હવે તો પૌત્રી પણ પરણીને સાસરે ગઈ . 


        આજે આ જ પૌત્રી , પૃથા , પોતાનું કબાટ ગોઠવતી હતી. દરેક સ્ત્રીને ખાસ કરીને પોતાના કબાટ સાથે એક વ્યક્તિગત સંબંધ હોય છે. કબાટ જાણે સુરક્ષા  આપવાની  સાથે સ્ત્રીના અનેક રહસ્યો છુપાવતું હોય છે. પૃથા પોતાના પતિ કાર્તિક અને બે પુત્રો સાથે પોતાના કૌટુંબિક સંસારમાં સુખી હતી છતાં ઘણીવાર ભૂતકાળ ને વાગોળ્યા કરતી. આજે તો રવિવાર હોવાથી કાર્તિક પણ ઘરે જ હતો. બપોરનું જમણ પતાવીને પૃથા બેડરૂમમાં કબાટના ખોરવાઈ ગયેલા કપડાં અને વસ્તુઓ જમીન પર પસરાવીને એક એક પાછા મુકતી જતી હતી . એવામાં એની નજર એક લાલ રંગના  પુંઠાના બોકસ પર પડતા જ એ લેવા એનો હાથ લંબાયો. હવે પૃથાના ચહેરા પર ગ્લાનિ છવાઈ ગઈ એનો શ્વાસ પણ ભારે લાગ્યો . એ બોકસની 

અંદર શું છે એ પૃથા જાણે છે છતાં શુન્યભાવે એ બોકસને ખોલીને નિહાળતી રહી. 

એટલામાં જ કાર્તિક રૂમમાં દાખલ થયો , પૃથાને સુન જોતા રમૂજ કરતા બોલ્યો , 

“ શું થયું ? બધું બરાબર છે ને ? પાછી ચાવી અટવાઈ ગઈ કપડાંમાં ?” 

“ ના…. “ ગળામાં દબાયેલા દુસકાને ગળી જતા પૃથાએ જવાબ આપ્યો અને 

આંસુઓને  આંખમાં જ રોકી રાખ્યા .કાર્તિક પણ બીજું કાંઈ કરવા રુમમાંથી બહાર નીકળી ગયો. 


         હવે પૃથા એકલી જ હતી રુમમાં , વિચારોની જાળમાં સપડાયેલી . એણે  બોકસમાં રહેલા કાગળને બે વખત વાંચીને  ગદગદ થઈને પાછો મુકી દીધો . એવું તે  શું લખ્યું હતું એ કાગળમાં ? બીજું શું હતું એ બોકસમાં જેના પરથી  પૃથાની દંષ્ટિ ઊઠતી ન  હતી !!! 


   એ બોકસ પૃથાની દાદી ઊર્મિલાનું હતું જે એને દાદીના મૃત્યુ પછી ખોલાયેલા કબાટમાંથી મળ્યું હતું . એ કબાટમાં ત્રીસેક જેટલી સાડીઓ પણ સ્વચ્છ કપડાંમાં પોટલામાં બાંધીને  મુકી હતી . અમુક તો હાથમાં લેતા જ ફાટી જાય એટલી કોહવાયેલી. કોને ખબર કેટલા વરસોથી કબાટમાં કેદ હતી. ઊર્મિલા લોકોને નકામી થઈ ગયેલી વસ્તુઓ  પોતે લાવીને  સંગ્રહી રાખતી એની આપદાવૃતિ ને લીધે. 


         પાંજરું  ખોલતાની સાથે જ સામે બે ત્રણ હારમાળાઓ દેખાઈ , ડબ્બા- ડબ્બી , બરણીઓ અને  બાટલીઓની . જયાં જે બંધબેસતું આવે ત્યાં . આ જોઈને પૃથા ઘડીભર અચંબો પામી ગઈ હતી. આ પાંજરું નહોતું દાદીના મસ્તિષ્કનો નકશો હતો. 

કેટલો સંગ્રહ મગજમાં અને ઘરમાં . નાની હિંગની ડબ્બીમાં કંકુ , કાચની શીશીમાં એરંડાનું તેલ, એની બાજુમાં થોડુંક ગ્લિસરીન , મોટી બાટલીમાં કોપરેલ , બાજુમાં બે ત્રણ દાતણની ડાળીઓ. કદાચ કોઈદિવસ જરુર પડે . એક કટાઈ ગયેલા ડબ્બામાં થોડી બદામ , સુકાઈ ગયેલો શાહીનો ખડિયો , ખવાઈ ગયેલા કાગળમાં ચીટકેલો ખાવાનો ગુંદર , કોઈએ આપેલી “ કેમી “ સાબુની ગોટી, 

 અરે !!!!!  નાના બાળકની દૂધની બોટલ સુધધાં હતી. 

એક હવાઈ ગયેલું દિવાસળીનું બાકસ , આ બાકસ ગામડાંમાં જ ઉપલબ્ધ હતું ત્યાંથી  મુંબઈ આવ્યું હશે . એક પતરાના ડબ્બામાં એક પૈસો , બે પૈસા , પાંચ પૈસા એમ કરીને ખાસ્સું ત્રણ રુપીઆનું પરચુરણ હતું. 


       ઊર્મિલાને હંમેશા અછત જ હતી , પૈસાની, વસ્તુઓની, પ્રેમની . જીવનમાં મળેલી નિરાશાને ડબ્બા- ડબ્બી પાછળ ક્યાંક સંતાડી દીધી. એક દિવસની  ટ્રેનની  ટિકિટમાં પાંચ છ ઘરો ગણી આવતી , એક - બે પૈસા પણ સાચવતી આ સ્ત્રી કેટલી અસુરક્ષિત હતી. 

આખો દિવસ ઠાકોરજીની સેવા ,  સવારથી નિત્ય કરમ ના પાઠ , આરતી , અને ભજન કરતી જાય . 

“ હરખ ભરી તારે દરબારે આવું , તું નથી જોતો સામું  રે” શ્રીનાથજીનું આ ભજન ગાતા ગાતા કોણ જાણે ભગવાન પાસે શું માંગતી હતી . ખરેખર તો એને કાંઈ જોઈતું પણ નહોતું હવે જીવનમાં .  પૃથા પણ સેવામાં જોડાય તો દાદીને ખુબ આનંદ થતો. 


           સમજણ આવ્યા પછી પૃથાને દાદી પ્રત્યે ખુબ સ્હાનુભુતિ વરતાતી . આ સ્ત્રીનું આખું જીવન રઝળતા જ પસાર થયું. નહી ફળેલા મનોરથથી , અને નહી સંતોષાએલી તૃષ્ણાઓને લીધે એનો સ્વભાવ કટકટીઓ અને ઉપણ  કાઢતો થઈ ગયો. કેટલો વિલાપ ભર્યો હશે એના મનમાં કે એનું પૃથક્કરણ કરીને સતત બડબડ કર્યા જ કરતી. આ બડબડવું એટલું તીવ્ર હતું કે સામાવાળો પિત્તો ગુમાવી બેસે , એનાથી કાંઈ સકારાત્મક પરિણામ આવતું નહોતું . આવું  જીવન એણે કયાં જન્મના કર્મો ભોગવ્વા લીધું હશે?  પૃથાને બહુ વ્હાલ તો ન્હોતું મળ્યું દાદી પાસેથી પણ જે એની સામે હતું એ વ્હાલ કરતાં ઓછું નહોતું . 

પણ એવું શું હતું એ લાલ પૂંઠાના બોકસમાં ? 

બે ત્રણ દાગીના અને એક કાગળ પર લખાણ , 




                                                                      તા. ૧૭-૧૦-૮૪


હું હયાત ન હોઉં ત્યારે  પૃથાને દાદી તરફથી આટલી વસ્તુઓ વારસામાં 

આપવાની છે . 


૧ સોનાનો અછોડો

૨ સોનાની બંગડીઓ

૨  જોડી ચાંદીની  સાંકળો

૨  લાલ ચુડી

થોડા છુટ્ટાં મોતી 

                                                                    સહી,

                                                                   ઊર્મિલા દાદી 



         “વારસો” આ શબ્દ પૃથાને ભાવુક કરી ગયો. દુનિયામાંથી જતી વખતે પોતાના વારસોને  યાદગીરી રુપે કાંઈક આપવું. જેમ પક્ષીને ઝાડનો અને વાદળ તરફથી વરસાદનો વારસો જમીનને .વિધવા દાદી , વિધુર પિતા અને મા વગરની પૃથા કોને ખબર લાગણીઓ વ્યક્ત કરી શકયા કે નહી , કુંટુંબની જેમ રહી શકયા કે નહી , પણ આખરે તો આ પણ એક કુટુંબ જ હતું . કુટુંબની ભાવના માટે પૃથા ઘણા વરસો તરસતી રહી હતી. પૃથાએ આ વાંચીને હવે આંખોને છુટ આપી એટલે આંસુઓએ અશ્વદોટ મુકી . એટલામાં કાર્તિકનો અવાજ આવ્યો , 

“ પૃથા ચાલ જરા આંટો મારી આવીએ.” 

પૃથાએ ફટ દઈને બોકસ બંધ કરી દીધું . આંખો લુછતા લુછતા , શરદી થઈ હોય એમ મોઢાં પર હાથ ફેરવતા “ આવું  છુંકહીને રુમની બહાર નીકળી ગઈ. જતાં જતાં 

 “  શ્રીનાથજી બાવા તો છેલછબીલા  ……..” દાદીનું આ ભજન પૃથાના મનમાં ગુંજતું રહ્યું . 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪
















શનિવાર, 20 જાન્યુઆરી, 2024

અલારમ કલોક - Alarm clock

આખી રાત મોક્ષા વિચારતી રહી , હવે આ વિચારને આકાર કઈ રીતે આપવો . કઈ રીતે પોતાના પતિ સંકલ્પ સામે રજૂઆત કરવી જેથી વાતનો અનર્થ ન થાય . આ ઉંમરના પડાવે એ સમય અને મિજાજનો સંબંધ સમજતી હતી.  ઊંઘ ન આવવાને  કારણે પડખાં ફેરવતી રહી, પાસેના ટેબલ પર પડેલાફોનની લાઇટ અચાનક ઝબૂકી . મોક્ષાનું ધ્યાન ટાઇમાં પર ગયું, સાડા ચાર થઈ ગયા , હંમણા સાડા પાંચે ઉઠવું પડશે ડબ્બા બનાવવા. આજે સંકલ્પ ઘરે નથી એના મિત્રોની સાથે ટી્પ માં ગયો છે. સંકલ્પનું કોલેજનું ગુપ હજી એના સંપર્કમાં છે.બે ત્રણ મિત્રો  વકીલ છે અને બીજા બે બિઝનેસમેન. 


સાડાં પાંચ વાગવાની અલારમે  એકદમ મોટો અવાજ કર્યો જાણે ધરતીકંપથી થરથરતું ઘડિયાળ હંમણાં નીચે પડશે પણ માણસને સમયસર ઉઠાવી દિવસનું ટાઇમટેબલ સાચવી આપે. સંકલ્પને એનો અવાજ બિલકુલ ન ગમતો . આ અલારમ કલોક ફેંકી દેવાનું મન ઘણી વાર થતું  , પરંતુ મોક્ષાને માટે આ એના પિયરની યાદગીરી હતી. આ જ કલોકના અલારમથી એ કોલેજની પરીક્ષાના સમયે સવારે ઉઠી ભણવા બેસતી. બાપુજી આમ તો ઉઠેલા રહેતા બાજુની રુમમાં પણ તો પણ જાણે ઊંધ તૂટી હોય એમ  કહેતા, “ આતે કાંઈ રીત છે !,  સવાર સવારમાં અવાજ બંધ કરો.” અને થોડી સમજુ થોડી અસમજુ મોક્ષા હસીને કહેતી ,“ અલારમની  જરુર સવારમાં જ પડે ઉઠવા માટે , બાપુજી.” આ ભૂતકાળનો પ્રસંગ યાદ કરતા કરતા મોક્ષાએ બંને છોકરાઓના ડબ્બા ભર્યા. હવે જશ અને સિધ્ધી તૈયાર થઈ ગયા હતાં સ્કુલે જવા. “ એક ટોસ્ટ તો ખાઓ” મોક્ષાએ કહ્યું , પણ જશે ના પાડી કહીને કે મોડું થઈ ગયું છે . સિધ્ધી એની પાછળ બહું જ વ્યસ્ત ભાવથી બુટ પહેરવા લાગી. હવે બંને લગભગ ઘરની બહાર છે , જતા જતા  જશ બોલ્યો , 

“ મમાં તમારા કલોકનું અલારમ બંધ કરો , ફોનમાં લગાવો.” 

મોક્ષાએ કહ્યું “ આજે ડેડી ધરે નથી એટલે લગાડ્યું , હવે ધ્યાન રાખીને જજે. ” 


સંકલ્પ લગભગ રોજ પહેલાં ઉઠી જતો ફોનનાં અલારમથી  અને  એ અવાજ અને   સંકલ્પના હલનચલનથી મોક્ષા પણ ઉઠી જતી. સંકલ્પ મોટી કંપનીમાં લિગલ ઓફીસર હતો. એના કામને લઈને ઘણો વ્યસ્ત રહેતો. મોડેથી થાકીને ઘરે આવીને એનામા ઉરજા ન હતી મોક્ષાની વાતો સાંભળવાની. સંકલ્પ ઘડિયાલનો પાકકો બંધાણી હતો . માત્ર અડધો જ કલાક પહેલાં ઉઠીને , તૈયાર થઈને , ડબબો લઈને ઘરની બહાર નીકળી જતો . 


મોક્ષાનો રોજનો એક જ ક્રમ સવારે ઉઠીને સીધું કિચનમાં જઈ ડબ્બા અને કાંઈ નાસ્તો ટેબલ પર રાખવો. સંકલ્પ પહેલા નીકળી જતો પછી છોકરાઓ. મોક્ષા પછી સાવ ખાલી થઈ જતી , અલારમ વાગી ગયા પછી મૂંગા થઈને ચાલતા રહેતા અલારમ કલોકની માફક. ચા પીએ , એને ખાવું હોય ત્યારે ખાય , નહાવું હોય ત્યારે નહાય . વાળ અડધા ઓળેલા ટાઈટ પોનીમાં બાંધેલા . કોઈક દિવસ કાંઈ પણ ન કરીને ચોપડી વાંચવા બેસી જતી તે કોઈ દિવસ પેંટિગ કરવા. સવારથી સાંજ - રાત  સુધી બહાર રહેલા સંકલ્પને ન ગમતું કે મોક્ષાએ રસોઈ સિવાય કાંઈ કામ ન કર્યું હોય. 

કોઈ પુછવા વાળું નહી . કોઈ વાત કરવા વાળું પણ નહી. મોક્ષા ફોન પણ કોને કરે એની માત્ર બે કે દોઢ જેટલી પરાણે બનેલી બહેનપણીઓ તો નોકરી પર હોય.એમના છોકરાઓ એક સ્કુલમાં હોવાથી થોડો સંપર્ક હતો. મોક્ષાની આજુબાજુના લોકો સતત કોઈ સ્પર્ધામાં હોય એવું લાગતું , આ મિત્રો એના પહેલાના મિત્રો જેવા ન હતા. પરામાં લગભગ સ્ત્રીઓ નોકરી કરતી હતી અને પોતાના સમોવડા હોદા ધરાવતી સ્ત્રીઓ સાથે જ મૈત્રી કરતી હતી . ટિચરની સાથે ટિચર, કોરપોરેટમા્ કામ કરનારા કોરપોરેટમાં નોકરીવાળા સાથે . 


આજે તો સાંજે પીઝા મંગાવવાના છે .સંકલ્પે છોકરાઓને પ્રોમિસ કયુઁ હતું. હવે અલારમ અને મોક્ષાની ઉપણ કાલે  સવારે જ વર્તાશે . 

થોડી લોન્રડરી કરવાની હતી એની શરુઆત કરી પછી મોક્ષાએ એના ફોનથી કોલેજના મિત્રો ની સાથે વાત કરવાનોનિષફળ પ્રયાસ કર્યો .મોક્ષાની આંખો થોડી છલકી ગઈ .  બધાં જ બીઝી છે પોત પોતાના જીવનમાં , કરીઅરમાં , કુટુંબમાં .


બપોર પડી , મોક્ષાએ ટીવી ચાલું કર્યું , સાંજે સંકલ્પ અને છોકરાઓને એમનો શો જોવો હોય છે .  હવે આ ઉંમરે એને થોડાંક ઊંડાં ભાવાથઁ વાળા કાયક્મો ગમતા એ છતાં મોક્ષા ડેલી સીરયલો જોયા કરતી એના  પાત્રો વતી એ મોટા કુટુંબનો આભાસ અનુભવતી . દુનિયાનાં સમાચારો માટે કે એના ઘરની બહાર લોકો શી રીતે જીવે છે એ જાણવા પણ મોક્ષા ટીવી જોતી . હાલના સમાજનું જ પ્રતિબિંબ ટીવીના પડદે પડે છે એ જાણતી હતી . 

“ લોકો કેવી રીતે ટીવી ની સામે બેસતા હોય છે આખો દિવસ , મને તો એ સીરયલો બિલકુલ ના ગમે “ મોક્ષાને વીંધી ગયું હતું એ વાક્ય જે એક પાટીઁમાં એક કરીયર વુમને બહું લહેકાથી કહ્યું અને એણે નિસહાય  મોઢેંથી સાંભળ્યું હતું .ઘણીવાર સ્ત્રીઓ જ બીજી સ્ત્રીઓનું સમ્માન નથી કરતી . જાણે કરીઅર ન હોવું એ ગુનો છે, પોતાની બાજુમાં બહુ લોકો ન હોય એ પણ ગુનો છે .  મોક્ષા જે ટીવી પર જોતી કે  જે દિવસ ભર કરતી એના વિષે કોઈની સાથે વાત પણ ન કરી શકતી. આ કરીયર વુમન એની બહેનપણીઓ સાથે ગલસઁ નાઈટ આઉટ કરવા જાય , લગભગ સ્ત્રીઓ જતી હોય છે , કમાતી સ્ત્રીઓ. 


મોક્ષાએ ટીવી બંધ કર્યું અને છોકરાઓને માટે ફોન પર હેલધી રેસીપી શોધવા લાગી. 

મોક્ષા પોતે માના વાત્સલય વગર ઉછરી હતી, તેથી તેણે એનો બધો પ્રેમ અને સમય છોકરાઓને ઉછેરવામાં આપ્યો જાણે એને નહી મળેલા સમયનું સાટું વાળતી હોય. હવે તો જશ અને સીધ્ધી પણ પંદર,  સોળ વરસના  થઈ  ગયા છે.હવે એમને કાંઈ ભણાવવાનું નથી મોક્ષાએ , માત્ર રસોઈ અને ડરાઈવીંગ કરી લઈ જવા લાવવામાં એની જરુર પડેએમને. કેટલાક મિત્રો છુટી ગયા કે ન બન્યા એના હાઉસવાઈફ ના સ્ટેટસથી .મોક્ષાને તો પણ બહું અફસોસ નહોતો આટલા વર્ષો એને મન એનું રોજનું ઘરકામ અને છોકરાઓનું પાલનપોષણ મહત્વનું હતું . આ વર્ષ કાંઈક અલગ હતું હવે આ રોજરોજનો ખાલીપો એના મનને વિષાદથી ભરી દેતો હતો. 


બપોરે છોકરાઓ ઘરે આવ્યા , આવીને સીધા પોતાની રુમમાં ગયા . મોક્ષાએ પૂછ્યું તો કહે “ અમને બહુ હોમવરક છે” સિધ્ધી વતી બોલી.

“ થોડોક નાસ્તો તો કરો “ મોક્ષાએ કહ્યું . “ પછી” જશ બોલ્યો “ હંમણાં મને બોલાવો નહી .“ એનો અવાજ જરા ગંભીર હતો. “ સારું” કહીને મોક્ષાએ રૂમમાંથી બહાર પગ મુકયો. આજે તો એમને કલાસીસ પણ નથી એટલે  આખી સાંજ પોતાની રુમમાં જ રહેશે. મોક્ષા પોતાની જ ઘરની ગલીમાં આંટો મારવા નીકળી ગઈ . 


હવે સાંજના સાડા સાત થયા , સંકલ્પ પણ ટીરપ થી આવીને , નહાઈધોઈને કિચનમાં આવ્યો . ત્યારે પીઝા ડીલિવરી પણ આવી ગઈ. 

“ આમ આજે અચાનક તને શું સુઝયું ? “ સંકલ્પ બોલ્યો થોડાંક કંટાળેલાં અવાજમાં . “ હજી તો હંમણા જ ધરે આવ્યો ને જરા આરામ તો કરવા દે.” સંકલ્પે પીઝા ખાતા ખાતા કહ્યું . જશ અને સિધ્ધી ખાઈને સુવાની તૈયારી કરવા ગયા. 

“ હું આખી રાત સુઈ નથી શકી , કાલે પાછી તને નોકરી હશે અને હું બીઝી હોઈશ સવારે અને સાંજે કિચનમાં “ 

સંકલ્પે  નિરાશાથી માથું હલાવ્યું . મોક્ષાને ઘરના થોડા કામ કરવાનો આટલો ભાર કેમ પડતો હતો એ એને સમજાતું નહોતું , આખરે તો અમેરિકામાં મોક્ષાનું જીવન સુવિધા ભર્યું જ હતું. 

“ મારે નોકરી કરવી છે. “ 

“ કેવી નોકરી ? અને પછી ઘરનું શું ? છોકરાઓનું શું “ 

“ હવે એમને મારી બહું જરુર નથી , હંમણાં થોડાં વર્ષોમાં છોકરાઓ કોલેજમાં હશે . હું આખો દિવસ ઘરમાં એકલી હોંઉ છું ,તમે બધા બહાર જાઓ છો , મને પણ બહાર નીકળવાનું કારણ જોઈએ કે નહી. “ 

“ હંમણાં જ રોજબરોજના કામો થતા નથી અને તને બહાર જવું છે “ સંકલપ ચીઢાયો. સંકલ્પના મનમાં બંનેના જુદા જુદા ભાગ હતા જે ભજવવાના હતા . સંકલ્પ કમાનાર અને મોક્ષા ઘર સંભાળનાર . 

બહાર જઈ લોકોની સાથે કામ કરવું અઘરું છે પણ ઘરમાં એકલા , કોઈની સાથે મજાક મસ્તી કર્યા વગર , મુંગા રહીને પશુની જેમ,  ક્યારેક શંકા તો ક્યારેક ચિંતાના વિચારોના ભમરમાં સપડાઈ ને ઘરકામ કર્યા કરવું પણ અઘરું જ છે એની સંકલ્પને ખબર નહોતી . 

“ તારે જે કરવું હોય તે કર પણ મારા હું ક્રમમાં કાંઈ ફરક કરી શકવાનો નથી .”આટલું કહીને સંકલપ પણ બેડરૂમમાં જતો રહ્યો મોક્ષાની તરફ જોયા વગર.  


મોક્ષાને હવે રાહત થઈ . 

લડી કરીને કે ઘર છોડને પોતાનું કરીયર બનાવવા જેવું સાહસ એનામાં ન હતું પણ હવે એણે વિચાર્યું કે ક્યાંક નાનીમોટી પણ શરુઆત કરવી . ઘરના કામો અને બીજું બધું થોડું વતું સચવાઈ જશે. પોતાને પણ ઘરમાંથી સમયસર નીકળવાનું  હશે , કયાંક પહોંચવાનું હશે તૈયાર થઈને એ વિચારથી એ આનંદિત થઈ ગઈ . સૌથી વધારે ઉત્તેજના એને એની થઈ કે પંદર સોળ વરસથી એ પરીવાર માટે ડબ્બો ભરતી હવે  એ એક ડબ્બો પોતાનો પણ ભરશે. 

આશાવાદી વિચારો સાથે મોક્ષા રાત્રે સુવા ગઈ , બાજુના ટેબલ પર પડેલા અલારમ કલેાકમાં અલારમ  લગાવી . અતયાર સુધી એ ઘડિયાળની જેમ ચાલતી રહી પતિ અને છોકરાઓના સમય ચાચવ્વા માટે , હવે મોક્ષાને પોતે પોતાના માટે જાગવાની જરુર પડશે . 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


 

મારો પરિચય



 


આજે પહેલી વાર બલોગ લખવાની શરૂઆત કરું છું સાંભળીને વરસો જુની , એક ચોપડીમાં સમાયેલી કવિતાઓ હરખાઈ ગઈ . ઘણા લેખો તો ઉઘાડા પડવાની વાતથી મુંજાઈ ગયા. મારું નામ જાગૃતિ દોશી છે , હું  એક પત્ની , મા અને શબદપ્રેમી છું  લગભગ ૧૯૯૦ ની સાલથી મને કવિતા , શાયરી , લેખ લખવાનો શોખ જન્મ્યો . મને પેંટીંગ , કુકીંગ અને B/W ફોટાનો પણ ઘણો શોખ છે. શરુવાતમાં  હિંદી , મરાઠી , ઈંગલીશ અને ગુજરાતીમાં લખતી. હવે ગુજરાતી અને ઈંગલીંશમાં જ લખવું છે.મે લેખનમાં કોઈ ખાસ તાલીમ નથી લીધી. આ ગુજરાતી કી પેડ વાપરતા હજી શીખી રહી છું તો કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. કદાચ કોઈવાર શાયરી પણ share કરીશ.ઘણા બધા વિચારો, અનુભવો અને અનુભાવો મગજથી પેનનો પ્રવાસ કરવા માટે આતુર છે  Nomad જેવું મારું મન જે બધે હોય પણ ક્યાંય પણ ન હોય , માત્ર બધા ભાવો અને અનુભવોને સાથે લઈને ચાલતું હોય. હું આભારી છું બધાં લેખક અને કવિઓની, જેમની રચનાઓ મેં વાંચી અને માણી છે જેનાથી કાંઈક લખવાની ઇચ્છા મારામાં પણ સ્કૂલ સમયથી જાગી  છે. હવે આ શોખને હું વાચકો સુધી પહોંચાડવા માંગું છું , અહીં લઘુકથા , કવિતા કે લેખ અહીં પોસ્ટ કરીશ . આનંદમાં રહેજો…….વાંચતા રહેજો. 

મેં ઓનલાઈન બહું બધી જગ્યાએ Nomad શબ્દનો ઉપયોગ જોયો તેથી મેં હવે Nomad શબ્દ વાપરવાનું બંધ કર્યું છે. બે દિવસ પછી તમે મને
www.sabdonisaathe-jag.com થી સર્ચ કરી શકશો. 

તમને લેખન ગમે તો comment અને subscribe કરો જેથી મને publish કરવાની પ્રેરણા મળે. 
Email subscription link is on bio page. ઈમેલ સબસ્ક્રિપ્શન લિન્ક બાયોપેજ પર છે.